Rights Of Zero FIR: એફઆઈઆર (FIR) એટલે કે, પ્રથમ સૂચના રિપોર્ટ વિશે તો બધા જાણતા હશે પરંતુ શું તમે ઝીરો એફઆઈઆર વિશે જાણો છો? અમે આજે જણાવી રહ્યા છીએ ઝીરો એફઆઈઆર વિશેની માહિતી જે દરેક નાગરીકે જાણવી અને સમજવી જરુરી છે. ઝીરો એફઆઈઆરને ગુનો થયા બાદ કોઈ પણ પોલિસ સ્ટેશનમાં નોંધાવી શકાય છે. જો કે, મોટા ભાગે એવું જોવા મળે છે કે, પોલીસ આ એફઆઈઆરને નોંધવામાં આનાકાની કરતી હોય છે.
ક્યાં નોંધાવી શકાય છે ઝીરો એફઆઈઆર?
મોટા ભાગે એવું થતું હોય છે કે, જ્યારે કોઈ ઘટના બને છે તો સામાન્ય નાગરીક પોલીસ પોલીસમાં ફરિયાદ (FIR) કરવા જાય છે. પરંતુ તેમને કાયદા વિશે સમગ્ર જાણકારી નથી હોતી. એટલા માટે તેમને એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે અને તેઓ મુશ્કેલી અનુભવતા હોય છે. આ વિશે જાણકારી આપતાં રિટાયર્ડ એસપી સુખલાલ વર્પેએ જણાવ્યું કે, CRPCની કલમ 154માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (FIR) નોંધાવી શકાય છે, પછી ભલેને તે પોલીસ સ્ટેસશનના જ્યુરિડિક્શનમાં હોય કે ના હોય. મતલબ કે, ઘટના તે પોલીસ સ્ટેશન વિસ્તારની ના હોય તો પણ સામાન્ય નાગરીક એ પોલીસ સ્ટેશનમાં ઝીરો FIR નોંધાવી શકે છે.
ઝીરો FIRમાં ગુનો નથી લખવામાં આવતોઃ
રિટાયર્ડ એસપીએ આગળ જણાવ્યું કે, આ મામલે ઈંસ્પેક્ટર કે સીનિયર ઈંસ્પેક્ટર રેન્કનો અધિકારી એક ફોરવર્ડિંગ પત્ર લખશે અને એક સિપાઈ એ પત્રને સંબંધીત પોલીસ સ્ટેશનમાં લઈ જશે જ્યાં કેસ થશે. ત્યાર બાદ કેસમાં આગળ તપાસ શરુ કરવામાં આવશે. યુપી એસટીએફમાં કામ કરનાર રિટાયર્ડ ડિવાયએસપી પી.કે મિત્રાએ કહ્યું કે, ઝીરો એફઆઈઆરમાં કોઈ ગુનાનો ઉલ્લેખ નથી કરવામાં આવતો. એટલા માટે તેને ઝીરો એફઆઈઆર કહેવામાં આવે છે. પોલીસ આ એફઆઈઆરને લખવામાં એટલા માટે આનાકાની કરે છે, કારણ કે, ઘણી વખત જોવા મળે છે કે, બે લોકો વચ્ચે ઝઘડો-મારપીટ થઈ હોય છે. ત્યારે આવા કેસમાં ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ બીજા વ્યક્તિ સામે ખોટા આરોપ પણ લગાવી દેતા હોય છે. એટલા માટે જે વિસ્તારનો આ કેસ ના હોય તે પોલીસ સ્ટેશન આવા પ્રકારની ઘટનાઓમાં ફરિયાદ (FIR) નોંધવાથી બચતા હોય છે.