નવી દિલ્હી: ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાં જ ઉત્તર ભારતમાં ઠંડીની શરૂઆત થઈ ચુકી છે. ઠંડા પવનોને કારણે ઉત્તરનાં કેટલાક રાજ્યોમાં પારો ગગડ્યો છે. લેહમાં તાપમાન માઈનસ 15 નોંધાતા જ લોકોએ ઘરમાં રહેવાનું અને ગરમ કપડાં પહેરવાનું શરૂ કરી દીધું છે. જોકે હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ, પહાડી વિસ્તારોમાં ઠંડા પવનો ફુંકાવાને કારણે તાપમાનમાં સતત ઘટાડો ચાલુ રહેશે. જ્યારે ગુજરાતમાં આગામી સમયમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.


દિલ્હી અને એનસીઆરમાં પારો ગગડીને 7.9 થયો હતો. જોકે દિલ્હીનાં આકાશમાં ધૂમ્મસની હળવી ચાદર જોવા મળી હતી. તાપમાન ઘટવાથી દિલ્હી અને એનસીઆરમાં વાયુ પ્રદુષણ વધ્યું હતું અને ફરી એકવાર લોકોએ ઝેરી વાયુનાં પ્રદુષણનો સામનો કરવો પડ્યો હતો.

કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખનાં લેહમાં તાપમાનનો પારો ગગડીને શૂન્યથી નીચે 15 ડીગ્રી સેલ્શિયસ નોંધાયો હતો. શ્રીનગરમાં લઘુતમ તાપમાન 3 ડીગ્રી રહ્યું હતું જ્યારે જમ્મુમાં પારો ઘટીને 7.2 ડીગ્રી નોંધાયો હતો. હવામાન ખાતાએ આ સમગ્ર વિસ્તારમાં સવારે ગાઢ ધૂમ્મસ છવાશે તેવી આગાહી વ્યક્ત કરી હતી.

છેલ્લા કેટલાંક દિવસોથી ઉંચા પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થઈ હતી. જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેને કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં રાતના તાપમાનમાં ઘટાડો થયો હતો અને લોકોએ રાત્રે ઠંડીનો અહેસાસ કરવા પડ્યો હતો. જોકે 10 ડિસેમ્બર સુધી તાપમાન સામાન્ય રહેશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે.

કાશ્મીરમાં ગુલમર્ગ સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું જ્યાં તાપમાન માઈનસ 8.6 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે હિમાચલ પ્રદેશમાં મનાલીમાં પારો ગગડીને શૂન્ય ડીગ્રીએ પહોંચ્યો હતો. લાહોલ સ્પિતિનાં કેલાંગમાં તાપમાન માઈનસ 10.8 નોંધાયું હતું.