નવી દિલ્હીઃ કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદમાં જાણકારી આપી હતી કે કોમ્પ્યુટર સોફ્ટવેર ડેવલપ કરવો, ખનનનું કામ કરવું અને પુસ્તકો છાપવાનું કામ લોઅર ટેક્સ બ્રૈકેટ માટે મૈન્યૂફ્રેક્ચરિંગ સેક્ટરનો હિસ્સો નહીં હોય. ગુરુવારે રાજ્યસભામાં બોલતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, જો કોઇ નવી ઉત્પાદન કંપની 15 ટકા રેટના હિસાબથી જરૂરિયાતો પુરા નહી કરતી હોય તો તેમને 22 ટકાના ટેક્સ બ્રૈકેટમાં જવાનો વિકલ્પ આપવામાં આવશે.


આ દરમિયાન તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાને બૂસ્ટ કરવા માટે સરકાર નવા રિફોર્મ કરતી રહેશે. લોકસભામાં પાસ થયા બાદ ગુરુવારે ટેક્સેશન અમેડમેન્ટ બિલ 2019ને રાજ્યસભામાં પાસ કરી દેવામાં આવ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં સરકાર દ્ધારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા માટે વટહુકમના સ્થાને આ બિલને પાસ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ બિલ કાયદો બની જશે.

તાજેતરમાં જ જામીન પર જેલની બહાર આવેલા કોગ્રેસ નેતા પી ચિદંબરમ, અધિર રંજન ચૌધરી, ગૌરવ ગોગોઇ સહિત અન્ય નેતાઓએ સંસદ ભવનમાં ડુંગળીની કિંમતોને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયામ તેમના હાથમાં બેનરો હતા અને તેઓએ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા.