Wheat Price Hike: ભારત સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધની અસર હવે વિશ્વ બજારોમાં જોવા મળી રહી છે. સોમવારે યુરોપિયન માર્કેટમાં ઘઉંના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, યુક્રેન દુનિયામાં ઘઉંનો મુખ્ય નિકાસકાર દેશ છે અને હાલ યુક્રેન પર રશિયાના હુમલાના કારણે પહેલાંથી જ ભાવ વધેલા હતા. ત્યારે હવે યુરોપિયન બજાર ખુલતાની સાથે ભાવ ઘઉંના ભાવ વધીને 435 યુરો એટલે કે રુપિયા 35,282.73 પ્રતિ ટન પર પહોંચી ગયો છે.
તમને જણાવી દઈએ કે, G-7 દેશોએ ભારત સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધની ટીકા કરી છે. સાત ઔદ્યોગિક દેશોના કૃષિ મંત્રીઓએ શનિવારે (14 મે) ભારતના આ નિર્ણયની નિંદા કરી હતી. જર્મનીના કૃષિ પ્રધાન કેમ ઓઝડેમિરે સ્ટુટગાર્ટમાં જણાવ્યું હતું કે, "જો દરેક દેશ નિકાસ પ્રતિબંધો અથવા બજારો બંધ કરવાનું શરૂ કરશે, તો આ સંકટને વધુ વધારશે." તેમણે કહ્યું, "અમે ભારતને G20 દેશોના સભ્ય દેશ તરીકે તેની જવાબદારી સ્વીકારવા માટે આહ્વાન કરીએ છીએ."
G7 ઔદ્યોગિક રાષ્ટ્રોના પ્રધાનોએ વિશ્વભરના દેશોને ઉત્પાદન બજારો પર વધુ દબાણ આવે તેવા પ્રતિબંધિત પગલાં ન લેવા માટે વિનંતી કરી છે. કૃષિ મંત્રી જૂનમાં જર્મનીમાં યોજાનારી G7 સમિટમાં આ વિષય પર સંબોધિન કરવાનો પ્રસ્તાવ મુકશે. આ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જી-7માં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુએસનો સમાવેશ થાય છે.
ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુક્યોઃ
તમને જણાવી દઈએ કે ભારતે સ્થાનિક સ્તરે વધતા ઘઉંના ભાવને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ 13 મેના રોજ બહાર પાડવામાં આવેલ એક અધિસૂચનામાં જણાવ્યું હતું કે, "આ નોટિફિકેશનની તારીખે અથવા તે પહેલાં જે સોદાઓ કરવામાં આવ્યા હતા અને LOC જાહેર કરવામાં આવ્યા હોય તેવા માલની નિકાસની પરવાનગી આપવામાં આવશે."
ડીજીએફટીએ એ પણ સ્પષ્ટ કર્યું કે ઘઉંની નિકાસને ભારત સરકાર દ્વારા અન્ય દેશોને તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા અને તેમની સરકારોની વિનંતીના આધારે આપવામાં આવેલી પરવાનગીના આધારે મંજૂરી આપવામાં આવશે. નોંધપાત્ર રીતે, ભારત વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં બીજા ક્રમે છે.