કોળી સમાજના આગેવાન અને ભૂતપૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કોળી સમાજને પ્રતિનિધિત્વની માગ બુલંદ કરી છે. ગુજરાત કોળી સમાજના સાંસદોને કેન્દ્ર સરકારમા સ્થાન આપવા માટે હીરા સોલંકી મેદાનમાં આવ્યા છે અને તેમને વીડિયો મેસેજ દ્વારા આ માગણી કરી છે.
ગુજરાત કોળી સેનાના પ્રમુખ અને રાજયના પૂર્વ સંચદીય સચીવ હીરાભાઈ સોલંકીએ કોળી સમાજને દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં સ્થાન અપાય અથવા સંગઠનમાં પ્રતિનિધિત્વ માટે મહત્વનું સ્થાન આપવાની માંગ કરી છે. સોશિયલ મીડીયા પર હીરા સોલંકીનો વીડિયો વાયરલ થતાં ભાજપમાં આ મુદ્દો ચિંતાનો વિષય બન્યો છે. હીરા સોલંકીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કોળી સમાજને યોગ્ય પ્રતિનિદિત્વ આપવા અપીલ કરી છે. આ વીડિયોમાં હીરો સોલંકીએ દાવો કર્યો છે કે, રાજયભરમાંથી કોળી સમાજના આગેવાનો દ્વારા વાંરવાર પોતાની સમક્ષ રજૂઆત આવતી હોવાથી પોતે આ વાત ભાજપના આગેવાનો સુધી પહોંચાડી રહ્યા છે.