નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી (PM Modi)એ બે શાહી સ્નાન બાદ હવે કુંભ મેળા (Kumbh Mela 2021)ને પ્રતીકાત્મક રાખવામાં આવે તેવી અપીલ કરી છે. આ મામલે પીએમ મોદીએ આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિ સાથે વાત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે કુંભ મેળામાં બે શાહી સ્નાન પૂર્ણ થઈ ચૂક્યા છે. આ દરમિયાન અનેક સંતો કોરોના પોઝિટિવ (Corona positive) આવ્યાની વાત સામે આવી રહી છે.


પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને સાધુ-સંતોને અપીલ કરી છે ત્યારે તેમના ટ્વિટ બાદ સ્વામી અવધેશાનંદે તેમની અપીલને સ્વીકારી છે. પ્રધાનમંત્રીએ કુંભને પ્રતિકાત્મક રાખવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મેં પ્રાર્થના કરી છે કે 2 શાહી સ્નાન થઇ ચૂક્યા છે અને હવે કુંભને કોરોના સંકટને લઇને પ્રતિકાત્મક રાખવામાં આવે. આનાથી આ સંકટથી લડાઈને એક તાકાત મળશે.






વધુ એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિજી સાથે આજે ફોન પર વાત કરી. તમામ સંતોના સ્વાસ્થ્યના હાલ જાણ્યા. તમામ સંતગણ તંત્રને તમામ પ્રકારનો સહયોગ કરી રહ્યા છે. મેં એટલા માટે સંત જગતનો આભાર વ્યક્ત કર્યો.






વડાપ્રધાન મોદીના નિવેદન બાદ મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરીએ કહ્યુ હતું કે, માનનીય પ્રધાનમંત્રીજીના આહ્વાનનું અમે સન્માન કરીએ છીએ. સ્વયં અને અન્યોની જીવની રક્ષા એક પુણ્ય છે. મારુ ધર્મ પરાયણ જનતાથી આગ્રહ છે કે, કોવિડની પરિસ્થિતીને જોતા તમામ પ્રકારના નિયમોનું પાલન કરો.


મહત્વનું છે કે, કોરોનાના કેસ વધતા ગઇકાલે નિરંજની અખાડાએ કુંભ મેળાની સમાપ્તિની જાહેરાત કરી હતી. આનંદ અખાડાએ પણ કુંભ મેળાની સમાપ્તિની જાહેરાત કરી હતી. તો બીજી તરફ ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવત હાઇલેવલ મીટિંગ યોજી હતી.