નવી દિલ્હી:  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, દેશમાં કુલ રસીનો આંક 75 કરોડને પાર પહોંચી ગયો છે. સોમવારે જ આ આંકડો 75 કરોડને પાર પહોંચી ગયો છે.  સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'સબકા સાથ સબકા વિકાસ' મંત્રની સાથે રસીકરણ અભિયાન સતત નવા કિર્તીમાન સ્થાપિત કરી રહ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ એટલે કે આઝાદીના 75માં વર્ષેમાં દેશે 75 કરોડ રસીકરણનો આંક વટાવી દીધો છે.


જે ગતિથી દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે તેને જોતા લાગી રહ્યું છે કે, એક મહિનામાં દેશમાં 100 કરોડ લોકોને રસીનો ઓછોમાં ઓછો એક ડોઝ જરૂર મળી જશે. અત્યાર સુધી જે રસીકરણ થયું છે તેમા 75 કરોડ લોકોને એક ડોઝ મળ્યો છે અને અંદાજે 18 કરોડ લોકોને બન્ને ડોઝ મળ્યા છે.


ભારતમાં ઝડપથી ચાલી રહેલા રસીકરણ અભિયાનની પ્રશંસા WHOએ પણ કરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પ્રાદેશિક નિર્દેશક ડો, પૂનમ ખેત્રપાલ સિંહે ભારતમાં ચાલી રહેલા ઝડપી રસીકરણ અભિયાનની પ્રશંસા કરી છે અને શુભેચ્છા પાઠવી છે. ડો. પૂનમે કહ્યું કે, ભારતને પહેલા 10 કરોડના આંક સુધી પહોંચવા 85 દિવસ લાગ્યા હતા પરંતુ 65 કરોડથી 75 કરોડ સુધીનો આંક માત્ર 13 દિવસમાં જ પાર કરી લીધો.


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ચાલુ સપ્તાહે ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને મંજૂરી આપી શકે


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ચાલુ સપ્તાહે ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને મંજૂરી આપી શકે છે. સૂત્રો દ્વારા આ માહિતી સામે આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોવેક્સિન તરફથી હજુ સુધી ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ મળ્યું નથી. આ પહેલા ભારત બાયોટેકે સંગઠન પાસે જુલાઈ મહિનામાં તમામ જરૂરી દસ્તાવેજો અને ટ્રાયલ સાથે જોડાયેલા ડેટા ઉપલબ્ધ કરાવ્યા હતા. હવે સૂત્રોનું કહેવું છે કે WHO ચાલુ મહિને કોવેક્સિનને મંજૂરી આપી શકે છે.


કોવેક્સિનના ઈમરજન્સી યૂઝ માટે ટેક્નિકલ એક્સપર્ટ દ્વારા સમીક્ષા કરવામાં આવતી હતી. ડબલ્યુએચઓના દક્ષિણ-પૂર્વ એશિયાના ડિરેક્ટર ડો. પૂનમ ખેત્રપાલ સિંહે જુલાઈમાં જણાવ્યું હતું કે, ટેકનોલોજી એક્સપર્ટ સમિતિ ડોઝિયરની સમીક્ષા કરી રહી છે. ફાઈઝર, એસ્ટ્રાજેનેકા, મોર્ડના, જોનસન એન્ડ જોનસન, સિનોવે તથા સિનોફોર્મને ડબલ્યુએચઓ દ્વારા ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ આપવામાં આવ્યું છે.


કોવેક્સિને ડબલ્યુએચઓ પાસે ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગની માંગ કરી હતી. આ મામલે ડબલ્યુએચઓ પહેલા જ કંપની સાથે બેઠક કરી ચુક્યું છે.  સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 27,254 નવા કેસ નોંધાયા છે અને 219 લોકોના મોત થયા છે. જ્યારે 37,687 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 74 ટકા જેટલા કેસ માત્ર કરેળમાં જ નોંધાયા છે.