Uttarakhand Election 2022: ઉત્તરાખંડની રાજનીતિમાં એક નામ હાલમાં ખૂબ ચર્ચામાં છે. આ નામ છે પૂર્વ કેબિનેટ મંત્રી હરકસિંહ રાવતની પુત્રવધૂ અને મિસ ઇન્ડિયા ગ્રાન્ડ ઇન્ટરનેશનલ રહેલી અનુકૃતિ ગુસૈનનું. વાસ્તવમાં અનુકૃતિ ઉત્તરાખંડમાં  વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતરવા જઇ રહી છે. અનુકૃતિ હરકસિંહ રાવતની સાથે કોગ્રેસમાં જોડાઇ ગઇ છે. રિપોર્ટ અનુસાર તે આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.


અનુકૃતિનો જન્મ 25 માર્ચ 1994ના  રોજ ઉત્તરાખંડના ગઢવાલમાં થયો હતો. તેણે 12મા સુધીનો અભ્યાસ આર્મી પબ્લિક સ્કૂલમાં કર્યો હતો. ત્યારબાદ દહેરાદૂન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી બી.ટેક કર્યું છે.અનુકૃતિ શરૂઆતથી જ મોડલ બનવા માંગતી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે મુંબઇ જતી રહી અને ત્યાં મોડલિંગ શરૂ કર્યું હતું. વર્ષ 2013માં મિસ ઇન્ડિયા દિલ્હીનું ટાઇટલ જીત્યું હતું.


અનુકૃતિએ વર્ષ 2014માં મિસ ઇન્ડિયા એશિયા પેસેફિકનું ટાઇટલ જીત્યું હતું. નોંધનીય છે કે અનુકૃતિ 2014માં જ ટાઇમ્સ 50ની લિસ્ટમાં 49મા સ્થાન પર હતી. અનુકૃતિના પિતાનું નામ ઉત્તમ ગોસાઇ છે અને તેની માતાનું નામ નર્વદા ગોસાઇ છે. તેની માતા શિક્ષિકા છે.અનુકૃતિને મહાત્મા ગાંધી સન્માન અને ઉત્તરાખંડ ફિલ્મ એડેકમી તરફથી એવોર્ડ મળી ચૂક્યો છે. અનુકૃતિએ વર્ષ 2018માં હરકસિંહ રાવતના દીકરા તુષિત રાવત સાથે લગ્ન કર્યા હતા. હરકસિંહ રાવતે કહ્યું કે અનુકૃતિને લોકોની સેવા કરતી જોઇ છે. તે ટિકિટની હકદાર છે.