Arun Goel Profile: ચૂંટણી કમિશનર અરુણ ગોયલે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની સંભવિત જાહેરાતના થોડા દિવસો પહેલા શનિવારે (9 માર્ચ) તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગોયલનું રાજીનામું સ્વીકારી લીધું છે, જે શનિવારથી લાગુ થઈ ગયું છે. તેમનો કાર્યકાળ ડિસેમ્બર 2027 સુધીનો હતો. તેઓ આવતા વર્ષે રાજીવ કુમારની સેવાનિવૃત્તિ પછી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે તેમની જગ્યા લેવાની લાઇનમાં હતા.
અરુણ ગોયલે શા માટે રાજીનામું આપ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. નિવૃત્ત અધિકારી અરુણ ગોયલ પંજાબ કેડરના 1985-બેચના IAS અધિકારી હતા. તેઓ 19 નવેમ્બર, 2022 ના રોજ ચૂંટણી પંચમાં જોડાયા અને 21 નવેમ્બર, 2022 ના રોજ ચાર્જ સંભાળ્યો. ફેબ્રુઆરીમાં અનુપ પાંડેની નિવૃત્તિ અને હવે ગોયલના રાજીનામા પછી, ચૂંટણી પંચની ત્રણ સભ્યોની સમિતિમાં હવે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર છે.
અરુણ ગોયલની નિમણૂક વિવાદાસ્પદ રહી હતી
અરુણ ગોયલે 18 નવેમ્બર, 2022 ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને એક દિવસ પછી ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી. ચૂંટણી કમિશનરના પદ પર અરુણ ગોયલની નિમણૂક ખૂબ જ વિવાદાસ્પદ હતી. તેમની નિમણૂકને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે તેમને ચૂંટણી પંચમાં નિયુક્ત કરવામાં આટલી ઉતાવળ કેમ કરવામાં આવી?
TOIના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, કાયદા મંત્રીએ શોર્ટલિસ્ટ કરાયેલા નામોની યાદીમાંથી ચાર નામ પસંદ કર્યા. 18 નવેમ્બરે ફાઈલ કરવામાં આવી હતી અને તે જ દિવસે તેને આગળ ધપાવવામાં આવી હતી. વડાપ્રધાન પણ એ જ દિવસે નામની ભલામણ કરે છે. અમારે કોઈ સંઘર્ષ નથી જોઈતો પણ આ બધુ ઉતાવળ કરવામાં આવ્યું હતું. આટલી ઉતાવળની જરુર શું છે?
આ અરજીને બંધારણીય બેંચે ફગાવી દીધી હતી
ચૂંટણી પંચમાં અરુણ ગોયલની નિમણૂકને પડકારતી અરજીને ગયા વર્ષના અંતમાં બે ન્યાયાધીશોની બેન્ચ દ્વારા ફગાવી દેવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે બંધારણીય બેન્ચે આ મુદ્દાની તપાસ કરી હતી પરંતુ ગોયલની નિમણૂકને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.