નવી દિલ્હી: રિઝર્વ બેંક ઑફ ઈંડિયાના ગર્વનર રઘુરામ રાજને બીજી વાર કાર્યભાર નહીં સંભાળવાની જાહેરાત કરી બધાને ચોંકાવી નાંખ્યા હતા. હવે ચર્ચા એવી છે કે આરબીઆઈમાં આગલા ગર્વનર કોણ બનશે. બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીના હુમલા અને ચાલી રહેલી અટકળોની વચ્ચે રાજને બીજી વખત કાર્યભાર સંભાળવાનો ઈનકાર કરી તમામ અટકળો ઉપર પુર્ણવિરામ મૂકી દીધું છે.
તેમની આ જાહેરાત પછી એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે બીજા આરબીઆઈ ગર્વનર કોણ બનશે. સૂત્રોનું માનીએ તો આરબીઆઈ ગર્વનરની હોડમાં 7 નામો ચર્ચાઈ રહ્યા છે. જે નામો પર ચર્ચા ચાલી રહી છે, તેમાં વિજય કેલકર, રાકેશ મોહન, અશોક લાહિડી, ઉર્જિત પટેલ, અરુંધતિ ભટ્ટાચાર્ય, સુબીર ગોકર્ણ અને અશોક ચાવલા છે.
તેમાં અરૂંધતિ ભટ્ટાચાર્ય, ઉર્જિત પટેલ અને અરવિંદ સુબ્રમણ્યમનું નામ આગળ છે. સૂત્રોનું માનીએ તો આ ત્રણ નામો સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે. ઉર્જિત પટેલ આરબીઆઈની ડેપ્યુટી ગર્વનર છે, જ્યારે અરૂંધતિ એસબીઆઈ પ્રમુખ છે અને અરવિંદ મુખ્ય આર્થિક સલાહકાર છે.
તમને જણાવી દઈએ કે, રાજનનો કાર્યભાર સપ્ટેમ્બર મહિનામાં પુરો થઈ રહ્યો છે. શનિવારે આરબીઆઈ ગર્વનરની બીજી ટર્મ માટે રાજને ઈનકાર કરી દીધો છે. રાજને આ વિષયે જણાવ્યું હતું કે, 4 સપ્ટેમ્બરે મારો કાર્યભાર પુરો થયા પછી હું અહીંથી જતો રહીશ. તમને જણાવી દઈએ કે, રાજન યુનિવસિર્ટી ઑફ શિકાગોમાં પ્રોફેસર રહ્યા છે.