રાલેગણ સિધ્ધિમાં એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં અન્ના હઝારેએ કહ્યું કે, તે ફરી એક વખત જંતર મંતર પર આંદોલન કરશે. આ આંદોલન કરવા પાછળના બે કારણ છે, એક તો લોકપાલ બિલને લઈને સરકાર આગળ કંઈ નથી કરી રહી અને બીજું આર્મીમેનને વન રેન્ક વન પેન્શન યોગ્ય રીતે નથી આપી રહી. તેમણે કહ્યું કે, ખુદનો પગાર વધારવામાં નેતાઓ જરાય મોડું નથી કરતા.

અન્નાએ કહ્યું કે, નિવૃત્ત આર્મીમેને જંતર મંતર પર આંદોલન કર્યું હતું, અન્ના પણ આંદોલનમાં સામેલ થયા હતા, સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે OROP આપવામાં આવશે અને એવી જ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, જો નિવૃત્ત આર્મીમેનને OROP આપવામાં આવ્યું હોત તો તે આપઘાત કરવા મજબૂર ન થાત.

અન્નાએ ટકોર કરી કે નેતાઓને આર્મી જેવા જીવનનો અનુભવ કરાવવા માટે તેને એક સપ્તાહ માટે આર્મીની જેમ જ બર્ફીલા સિયાચીનના ગ્લેશિયલ પર મોકલી દેવા જોઈએ, ત્યારે તેને ખબર પડશે કે પેન્શન શા માટે જોઈએ?