અમદાવાદઃ નરેન્દ્ર મોદી સરકાર 31 મે પછી લોકડાઉન લંબાવશે કે નહીં એ અંગે હજુ કશું નક્કી નથી ત્યારે 31 મેના રોજ લોકડાઉન પૂરું થાય એ પછી દેશનાં 13 જ શહેરો અને જિલ્લામાં લોકડાઉ લંબાવાશે એવો સંકેત મળી રહ્યા છે. કેબિનેટ સચિવ રાજીવ ગાઉબાએ દેશના 13 શહેરના મ્યુનિસિપલ કમિશ્નર્સ અને આ શહેર જે જિલ્લામાં આવે છે તે જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટરો સાથે ગુરૂવારે લોકડાઉન મુદ્દે ચર્ચા કરી હતી. દેશમાં કોરોનાના 70 ટકા કેસો આ શહેર-જિલ્લામાં છે તેના કારણે એવી ચર્ચા શરૂ થઈ છે કે, હવે પછી માત્ર આ 13 શહેર-જિલ્લામાં જ લોકડાઉન લદાશે. આ 13 શહેર-જિલ્લામાં ગુજરાતમાંથી માત્ર અમદાવાદનો સમાવેશ કરાયો છે.


આ 13 શહેર જિલ્લામાં મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, અમદાવાદ, થાણે, પૂણે, હૈદરાબાદ, કોલકાત્તા/હુબલી, ઈન્દોર, જયપુર, જોધપુર ઉપરાંત તમિલનાડુનાં બે શહેરો ચેંગલપટ્ટુ અને થિરુવલ્લુરનો સમાવેશ થાય છે.

આ શહેરોમાં પ્રસાસન અને નિગમ તરફથી કોવિડ-19 વિરૂદ્ધ કેવા પગલા લેવામાં આવી રહ્યા છે તેના પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. કોરોના પ્રભાવિત વિસ્તારમાં કોવિડનું મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે તેને લઈને કેન્દ્ર તરફથી દિશા નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ 13 શહેરોમાં કોરોનાનો કન્ફર્મેશન રેટ, ફેટલિટી રેટ, ડબલિંગ રેટ અને પ્રતિ 10 લાખ લોકો પર કેટલા ટેસ્ટ થઈ રહ્યા છે, તેના વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે.

કેન્દ્રનો ભાર એ વાત પર છે કે કોરોનાના પોઝિટિવ કેસને આધારે જ કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવામાં આવશે. આ વિસ્તારમાં લોકડાઉનના નિયમ પૂર્ણ રીતે લાગુ કરવા પર પણ સરકાર ભાર મુકી રહી છે. કોઈ રહેણાંક કોરોની, ગલી, નિગમ વોર્ડ કે પોલીસ સ્ટેશનના વિસ્તાર, નિગમ ઝોન, નગરમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાનો નિર્ણય નગર નિગમ પર છોડવામાં આવ્યો છે.