નવી દિલ્હીઃ ભારતીય એરફોર્સના જવાન વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને તેના સાહસ માટે ભારત સરકાર વીર ચક્ર આપી શકે છે. ભારતીય એરફોર્સના એર સ્ટ્રાઇકથી ગભરાયેલા પાકિસ્તાને 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય એરસ્પેસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય વાયુસેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવા માટે પાકિસ્તાનના 24 ફાઇટર પ્લેન આવ્યા હતા પરંતુ ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના શૌર્ય આગળ ટકી શક્યા નહોતા. એક ન્યૂઝ એજન્સીના મતે અભિનંદન સાથે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાન્તમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર મિરાજ-2000 ફાઇટર પ્લેનથી બોમ્બમારી કરનારા પાંચ પાયલટોને એરફોર્સ મેડલ આપી શકે છે.
ભારતીય એરફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, વીરતા પુરસ્કાર મેળવનારાઓની અંતિમ યાદીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી 14 ઓગસ્ટના રોજ મંજૂરી લેવામાં આવશે. પાકિસ્તાને અત્યાધુનિક એફ-16 પ્લેનનો ઉપયોગ કર્યો હતો. જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન મિગ-21થી પાકિસ્તાનને જવાબ આપ્યો હતો. અભિનંદને સાહસ બતાવવા પાકિસ્તાનના એક એફ-16ને ઉડાવી દીધુ હતુ. દરમિયાન મિગ-21 પણ દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. જેને કારણે અભિનંદન પીઓકેમાં પહોંચી ગયા હતા. વિંગ કમાન્ડર અભિનંદન 60 કલાક પાકિસ્તાનમાં રહ્યા હતા પરંતુ ઇન્ટરનેશનલ સ્તર પર ભારતના દબાણના કારણે પાકિસ્તાને તેને છોડવા પડ્યા હતા. પરમ વીર ચક્ર, મહાવીર ચક્ર બાદ વીર ચક્ર ભારતનો ત્રીજો સૌથી મોટો સૈન્ય એવોર્ડ છે. યુદ્ધ ક્ષેત્રમાં સાહસ બતાવનારાઓને આ પુરસ્કાર આપવામાં આવે છે.