મુંબઇઃ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે સ્ત્રીને ફક્ત શિક્ષિત હોવાના કારણે આજીવિકા માટે કામ કરવાની ફરજ પાડી શકાય નહીં. હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશ વિરુદ્ધ એક વ્યક્તિની અરજી પર સુનાવણી કરતા તેને તેની પત્નીને જીવનનિર્વાહ માટે પૈસાની ચૂકવણી કરવાના નિર્દેશ આપ્યા હતા.
હાઇકોર્ટની સિંગલ બેંચ પુણેની ફેમિલી કોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. આ મામલે આગામી સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે મહિલા પાસે કામ કરવાનો અથવા ઘરે રહેવાનો વિકલ્પ છે, પછી ભલે તે પાત્ર હોય અને તેની પાસે શૈક્ષણિક ડિગ્રી હોય.
મહિલા જજે પોતાનું ઉદાહરણ આપ્યું
કોર્ટે કહ્યું, આપણા સમાજે હજુ સુધી સ્વીકાર્યું નથી કે ઘરની મહિલાએ આર્થિક રીતે યોગદાન આપવું જોઈએ. કામ કરવું એ મહિલાની પસંદગી છે. તેને કામ પર જવા માટે દબાણ કરવું જોઈએ નહીં. કોર્ટે કહ્યું કારણ કે મહિલા સ્નાતક છે, તેનો અર્થ એ નથી કે તે ઘરે બેસી શકતી નથી." તેમનું ઉદાહરણ આપતાં હાઈકોર્ટના મહિલા જજે કહ્યું કે, "આજે હું આ કોર્ટની જજ છું. કાલે ધારો કે હું ઘરે બેસી જઇશ. તો શું તમે કહેશો કે હું જજ બનવાને લાયક છું અને ઘરે બેસવું જોઈએ નહી?
ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો
સુનાવણી દરમિયાન પુરુષ અરજદારના વકીલે દલીલ કરી હતી કે ફેમિલી કોર્ટે તેના ક્લાયન્ટને ભરણપોષણ ચૂકવવા માટે "ગેરવાજબી" નિર્દેશ આપ્યો હતો કારણ કે તેનાથી અલગ થયેલી પત્ની ગ્રેજ્યુએટ છે અને તેની પાસે કામ કરવાની અને જીવન નિર્વાહ કરવાની ક્ષમતા છે. વકીલ મારફત દાખલ કરવામાં આવેલી તેની અરજીમાં વ્યક્તિએ એવો પણ આરોપ મૂક્યો હતો કે તેની પત્ની પાસે હાલમાં આવકનો સ્થિર સ્ત્રોત છે, પરંતુ તેણે આ હકીકત કોર્ટથી છૂપાવી હતી.
અરજદારે પત્નીને દર મહિને પાંચ હજાર રૂપિયા અને તેની સાથે રહેતી 13 વર્ષની પુત્રીના ભરણપોષણ માટે સાત હજાર રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપતો ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો હતો.