Sonia Gandhi in Parliament:  કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે નવી સંસદમાં પ્રથમવાર ભાષણ આપ્યું છે. તેમણે મહિલા અનામત બિલ વિશે વાત કરી હતી. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે હું આ બિલના સમર્થનમાં છું. કોંગ્રેસ તરફથી હું 'નારી શક્તિ વંદન એક્ટ 2023'ના સમર્થનમાં છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહિલા અનામત બિલનું નામ બદલીને 'નારી શક્તિ વંદન એક્ટ' રાખ્યું છે.






સોનિયા ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે ભારતીય મહિલાઓએ દરેકના કલ્યાણ માટે કામ કર્યું છે. સ્ત્રીની ધીરજનો અંદાજ કાઢવો એ બહુ મુશ્કેલ કામ છે. ભારતીય મહિલાઓએ ક્યારેય ફરિયાદ કરી નથી. સ્ત્રીઓમાં સમુદ્ર જેવી ધીરજ હોય ​​છે. ઉલ્લેખનીય છે કે આ બિલ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું હોવા છતાં ક્યાંકને ક્યાંક કોંગ્રેસ તેનો શ્રેય લેવાનો પ્રયાસ કરી રહી છે. સોનિયાએ પોતાના ભાષણમાં પણ આનો ઉલ્લેખ કર્યો હતો.


બિલનો તાત્કાલિક અમલ થવો જોઈએ


પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે આ બિલને તાત્કાલિક લાગુ કરવું જોઈએ. જો આ બિલ લાવવામાં વિલંબ થશે તો તેનાથી મહિલાઓને અન્યાય થશે. તેમણે કહ્યું કે આ બિલ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી લાવ્યા હતા. તે સમયે આ બિલ રાજ્યસભામાં સાત મતથી પડી ગયુ હતું.  આ બિલ રાજીવ ગાંધીનું સ્વપ્ન હતું. બાદમાં પીએમ પીવી નરસિમ્હા રાવના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારે તેને પાસ કરાવ્યું હતું. પરિણામ એ આવ્યું છે કે અમારી પાસે સ્થાનિક સ્તરે 15 લાખ ચૂંટાયેલી મહિલા નેતાઓ છે.


સરકારને સોનિયાએ પૂછ્યા આ સવાલો


સોનિયા ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આ બિલનું સમર્થન કરે છે. આ બિલ પાસ થવાથી અમે ખુશ છીએ. પરંતુ તેની સાથે એક ચિંતા પણ છે. મારે એક પ્રશ્ન પૂછવો છે. ભારતીય મહિલાઓ છેલ્લા 13 વર્ષથી તેમની રાજકીય જવાબદારીની રાહ જોઈ રહી હતી. હવે તેમને થોડા વધુ વર્ષો રાહ જોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેઓએ કેટલા વર્ષ રાહ જોવી પડશે, એક, બે, ચાર કે આઠ વર્ષ, આખરે કેટલી રાહ જોવી પડશે. શું ભારતીય મહિલાઓ સાથે આ પ્રકારનું વર્તન યોગ્ય છે ?