નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. મંગળવારે રાત્રે 9 વાગે હાર્ટ એટેકનો હુમલો આવવાથી એઇમ્સમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, બાદમાં ડૉક્ટર્સ તેમને બચાવી શક્યા ન હતા. હાલ તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના ઘરે રાખવામાં આવ્યો છે, દેશભરમાંથી નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે.


બપોરે 3 વાગ્યા બાદ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, વિદેશ મંત્રી હોવા દરમિયાન સુષ્મા સ્વરાજએ વિદેશોમાં પણ પોતાની ઓળખ અને સંબંધ કેળવ્યા હતા, જેને લઇને વિદેશને નેતાઓ પણ સુષ્મા સ્વરાજના નિધનથી દુઃખી થયા છે. અમેરિકાથી લઇન ફ્રાન્સ અને પાકિસ્તાન સુધીના નેતાઓએ ટ્વીટ કરીને સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.