Wrestlers Protest: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સામે દિલ્હી પોલીસે કાર્યવાહી કરી છે, અને એફઆઇઆર નોંધી છે. બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ અને અન્ય બીજા કેટલાક લોકો સામે તોફાનો, રમખાણ, હુમલો અને સરકારી કર્મચારીઓને ઈજા પહોંચાડવા જેવી ગંભીર કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યા છે. દિલ્હીની પોલીસની આ એફઆઇઆર પર હવે કુસ્તીબાજ સાક્ષી મલિક ભડકી છે, FIRનો જવાબ આપતા રેસલર સાક્ષી મલિકે આરોપોને ખોટા ગણાવ્યા છે. તને ફોટો અને વીડિયો પુરાવા હોવાનો પણ દાવો કર્યો હતો.


સાક્ષી મલિકે કહ્યું, અમે તોફાનો નથી કર્યા કે હંગામો પણ નથી કર્યો. અમારી પાસે ફોટો, વીડિયો પ્રૂફ છે. વિનેશ ફોગાટનો ફોટો એડિટ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવતા તેને કહ્યું કે IT સેલ તે લોકોને (કુસ્તીબાજો)ને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.


આગળનો કોઇ પ્લાન નહીં -  મલિક 
ભવિષ્યની યોજના અંગે મલિકે કહ્યું કે, અમે અત્યારે માનસિક રીતે થાકી ગયા છીએ, આગળ કોઈ યોજના નથી. સોમવારે (29 મે)એ કોઈપણ પ્રકારની પ્રેસ કૉન્ફરન્સનો પણ ઇનકાર કર્યો હતો. તેને કહ્યું કે, ગઈકાલે જે થયું તે ખૂબ જ ખરાબ હતું. અમે શાંતિપૂર્ણ રીતે કૂચ કરવાના હતા પરંતુ અમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને સાંજે 6 વાગ્યે મુક્ત કરવામાં આવ્યા હતા.


એફઆઇઆર પર નિશાનો -
આ પહેલા સાક્ષી મલિકે કુસ્તીબાજો સામેની એફઆઈઆરને લઈને દિલ્હી પોલીસ પર નિશાન સાધ્યું હતું. મલિકે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું - "દિલ્હી પોલીસે અમારું યૌન શોષણ કરનારા વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 દિવસનો સમય લીધો, અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા બદલ અમારી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 કલાક પણ ન લાગ્યા. શું આ દેશમાં સરમુખત્યારશાહી શરૂ થઈ ગઈ છે ? આખી દુનિયા જોઈ રહી છે કે સરકાર પોતાના ખેલાડીઓ સાથે કેવો વ્યવહાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગાટે પણ આ જ ટ્વીટ કર્યું હતું.


કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા રેસલર્સ - 
વૃજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ રવિવારે (28 મે) સંસદ ભવનની સામે મહિલા મહાપંચાયતની જાહેરાત કરી હતી. પોલીસની પરવાનગી ના હોવા છતાં, લગભગ 11.30 વાગ્યે કુસ્તીબાજોએ 'શાંતિ માર્ચ' કરીને સંસદ ભવન તરફ કૂચ કરી હતી. સંસદથી થોડે દૂર કેરળ ભવન પાસે પોલીસે કુસ્તીબાજોને આગળ વધતા અટકાવ્યા હતા. અહીંથી વિનેશ ફોગટની સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા સહિત કેટલાય રેસલર્સને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સાંજે પોલીસે સાક્ષી મલિક અને વિનેશ ફોગટને જ્યારે બજરંગ પૂનિયાને મોડી રાત્રે મયુર વિહાર પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.