વિજયવાડાઃ વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના ચીફ જગનમોહન રેડ્ડીએ આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી લીધા, વિજયવાડાના ઇન્દિરા ગાંધી મ્યુનિસિપલ સ્ટેડિયમમાં જગનમોહન રેડ્ડીને પદ અને ગોપનિયતાની શપથ રાજ્યપાલ ઇએસએલ નરસિમ્હા રાવે અપાવી હતી. આ દરમિયાન મેદાનમાં 40 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા.



શપથ ગ્રહણ સમારોહમાં તેલંગાણાના મુખ્યમંત્રી ચન્દ્રશેખર રાવ અને ડીએમકે ચીફ એમ કે સ્ટાલિને હાજરી આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જગનમોહન રેડ્ડીને સીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ટીડીપીને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીમાં કરારી માત આપી હતી. વિધાનસભામાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટીને રાજ્યની 175 બેઠકોમાંથી 151 બેઠકો અને ટીડીપીને માત્ર 23 બેઠકો જ મળી શકી હતી.


નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીમાં પણ જગનમોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆર કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યુ, પાર્ટીએ 25 બેઠકોમાંથી 22 બેઠકો પર જીત નોંધાવી, વળી સત્તાધીશ ટીડીપીને માત્ર 3 બેઠકો જ મળી શકી હતી.