નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ  આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. આ સાથે ઉત્તર પ્રદેશમાં મંત્રીમંડળના વિસ્તારની અટકળો તેજ બની હતી. આ અગાઉ  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ દિલ્હી પહોંચ્યા હતા. અહી તેમણે દિલ્હીની એઇમ્સમાં સારવાર લઇ રહેલા અરુણ જેટલીની તબિયત પૂછવા માટે પહોંચ્યા હતા પરંતુ બાદમાં તેમણે અમિત શાહના ઘર પર તેમની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદથી જ ઉત્તર પ્રદેશના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વહેતી થઇ હતી.

સૂત્રોના મતે યોગી આદિત્યનાથ અને સ્વતંત્રદેવ સિંહ આ વખતે કેન્દ્રિય મંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરી હતી. વાસ્તવમાં હાલની બેઠકોની સ્થિતિ અનુસાર, ઉત્તર પ્રદેશમાં 60 સભ્યોનું મંત્રીમંડળ હોઇ શકે છે. જ્યારે મુખ્યમંત્રીના રૂપમાં યોગીએ શપથ લીધા ત્યારે 47 સભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ મંત્રી સાંસદ બનવાના કારણે રાજીનામું આપી ચૂક્યા છે. સાંસદ બનનારા મંત્રીઓમાં રીતા બહુગુણા જોશી, સત્યદેવ પચૌરી અને ડોક્ટર એસપી બઘેલનો  સમાવેશ થાય છે.


તે સિવાય ભાજપ સરકારની સહયોગી રહેલી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરને મંત્રીમંડળમાંથી કાઢ્યા હતા. હાલના અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહના અધ્યક્ષ પદ ગ્રહણ કરતા અગાઉ મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું  હતું. જેના કારણે પાંચ મંત્રીઓની સંખ્યા ઓછી થઇ ગઇ છે અને પ્રદેશમાં સરકાર બન્યા બાદ એકપણ વખત ફરી યોગી મંત્રીમંડળમાં ફેરબદલ અથવા વિસ્તરણ થયું નથી.