નવી દિલ્હીઃ દિલ્હી હિંસાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જવાબ આપ્યો. તેમણે જવાબની શરૂઆતમાં હિંસામાં મરનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. અમિત શાહે કહ્યું દિલ્હીમાં જે કંઈ થયું તેના પર તમામ સભ્યોએ ચિંતા વ્યક્ત કરી છે. હિંસાને ક્યાંકને ક્યાંક રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 36 કલાકમાં દિલ્હી પોલીસે હિંસા પર કાબૂ મેળવી લીધો હતો.


શાહે કહ્યું, 25 તારીખે 11 વાગ્યા બાદ એક પણ દંગાની ઘટના બની નથી. 27 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 700 એફઆઈઆર નોંધવામાં આવી છે. નરેન્દ્ર મોદી સરકાર હિંસામાં સામેલ કોઈપણ વ્યક્તિને છોડશે નહીં. દિલ્હીમાં હિંસા ફેલાવવા માટે 300થી વધારે લોકો ઉત્તરપ્રદેશની આવ્યા હતા. આ ષડયંત્ર હતું.


દિલ્હી હિંસા મામલે 153 હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. આર્મ્સ એક્ટ હેઠળ 49 મામલા નોંધવામાં આવ્યા છે. હિંસા માટે ફંડ આપનારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પૂરતા પુરાવા બાદ જ ધરપકડ કરવામાં આવી રહી છે. કોઈપણ નિર્દોષને સજા નહીં આપવામાં આવે.


લોકસભામાં જાણકારી આપતાં શાહે કહ્યું, આ હિંસામાં 52 ભારતીયોના જીવ ગયા અને 526 ઘાયલ થયા છે. દંગામાં 371 દુકાનો સળગી છે. મંદિર અને મસ્જિદને નુકસાન થયું છે. તેમણે મૃતકોનો ધર્મ બતાવવાની રાજનીતિની નિંદા કરી હતી.


સોનિયા ગાંધીનું નામ લીધા વગર તેના પર નિશાન સાધતાં શાહે કહ્યું, એક પાર્ટીના અધ્યક્ષે દિલ્હીના રામલીલા મેદાનમાં નફરત ફેલાવતું નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન બાદ દિલ્હીના શાહીનબાગમાં સીએએને લઈ વિરોધ પ્રદર્શનો થયા. 14 ડિસેમ્બરની રેલીમાં એક પાર્ટીના અધ્યક્ષે લોકોને કહ્યું કે  ઘરની બહાર નીકળો અને 15 ડિસેમ્બરથી શાહીનબાગના ધરણા શરૂ થયા હતા.