લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર રાજ્યમાં નવી પોપ્યુલેશન નીતિ બનાવવા પર વિચાર કરી રહી છે. જેમાં બેથી વધુ બાળકો હોય તેવા લોકો સરકારી યોજનાઓનો લાભ નહી ઉઠાવી શકે. ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણમંત્રી જય પ્રતાપ સિંહે કહ્યું કે, રાજ્યની જનસંખ્યા 20 કરોડને પાર પહોચી ગઇ છે જે ચિંતાનો વિષય છે.


તેમણે કહ્યું કે, છેલ્લા વિધાનસભા સત્ર દરમિયાન કેટલાક ધારાસભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 2019માં સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન દેશની વધતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

જયપ્રતાપ સિંહે કહ્યું કે, રાજ્યની વસ્તી વધુ હોવાના કારણે જન કલ્યાણકારી નીતિઓ બનાવવામાં મુશ્કેલીઓ આવે છે. આ માટે રાજ્ય સરકાર નવી પોપ્યુલેશન નીતિ બનાવશે. આ દિશામાં આપણે સાથે મળીને કામ કરવું પડશે. પરિવાર કલ્યાણ કાર્યક્રમમાં  પરિવાર નિયોજન એક મહત્વપૂર્ણ મુદ્દો છે.