Zika virus Case Found in karnataka: દેશમાં કોરોના વાયરસના કેસ લગભગ સમાપ્ત થઈ રહ્યા છે, તેથી હવે ઝિકા વાયરસે સરકારની ચિંતા વધારી દીધી છે. વાસ્તવમાં પુણે બાદ હવે કર્ણાટકમાં ઝીકા વાયરસનો એક કેસ સામે આવ્યો છે. કર્ણાટકના આરોગ્ય મંત્રી કે. સુધાકરે સોમવારે જણાવ્યું હતું કે રાયચુર જિલ્લાની પાંચ વર્ષની બાળકીમાં વાયરસની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં ઝિકા વાયરસનો આ પ્રથમ કેસ છે. જો કે, મંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે અને ટૂંક સમયમાં આ અંગે માર્ગદર્શિકા બહાર પાડશે.
5 ડિસેમ્બરે ત્રણ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા
સુધાકરે કહ્યું કે, 'પુણેની લેબમાંથી અમને મળેલા રિપોર્ટમાં ઝિકા વાયરસની (Zika virus) પુષ્ટિ થઈ છે. આ સેમ્પલ અહીંથી 5 ડિસેમ્બરે મોકલવામાં આવ્યો હતો. આ સાથે વધુ 2 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. અન્ય બેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે કહ્યું, 'જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે પાંચ વર્ષની બાળકી છે. હાલમાં આરોગ્ય વિભાગ બાળકી પર નજર રાખી રહ્યું છે. આપને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા કેરળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ઝિકા વાયરસના કેસ જોવા મળ્યા હતા.
'રાજ્ય સરકાર સાવચેતી રાખી રહી છે'
આરોગ્ય મંત્રીએ કહ્યું કે સરકાર સાવચેતી રાખી રહી છે અને રાયચુર અને પડોશી જિલ્લાઓમાં આરોગ્ય વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જો કોઈ હોસ્પિટલમાં શંકાસ્પદ ચેપના કેસ જોવા મળે તો ઝિકા વાયરસના ટેસ્ટ માટે સેમ્પલ મોકલવા પણ કહેવામાં આવ્યું છે. હાલમાં જે છોકરીમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અત્યાર સુધી આ વાયરસનો માત્ર એક કેસ છે. તે મળતાની સાથે જ સાવચેતી રાખવામાં આવી રહી છે.
ઝિકા વાયરસ શું છે?
ઝિકા વાયરસ (Zika virus) એ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ રોગ એડીસ મચ્છરના કરડવાથી જ ફેલાય છે. આ મચ્છરો દિવસના સમયે જ વધુ સક્રિય હોય છે. આ વાઈરસથી થતો ઈન્ફેક્શન ખતરનાક છે અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ શક્યતા છે.