નવી દિલ્હીઃ ઝાયડસ કેડિલાની કોરોના વેક્સીન ઝાયકોવ-ડીની કિંમત નક્કી કરી દેવામાં આવી છે. એક ડોઝની કિંમત 265 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ભારત સરકારે એક કરોડ ડોઝનો ઓર્ડર આપી દીધો છે. ઝાયકોવ-ડીની ત્રણ ડોઝને 28 દિવસોના અંતરમાં આપવામાં આવશે. દેશમાં વિકસિત આ દુનિયાની એવી પ્રથમ કોરોનાની રસી છે જે ડીએનએ-આધારીત અને સોય રહિત છે.


ઝાયકોવ-ડી વેક્સીનને જેટ એપ્લીકેટરથી લગાવવામાં આવશે. જેટ એપ્લીકેટરની કિંમત 93 રૂપિયા પ્રતિ ડોઝ રહેશે. એટલે કે એક વેક્સીન ડોઝ માટે 358 રૂપિયા ખર્ચ કરવા પડશે.આ અગાઉ રવિવારે સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં વિકસિત દુનિયાની પ્રથમ ડીએનએ આધારિત કોવિડ 19 રસીને રસીકર કાર્યક્રમમાં સામેલ કરવા માટે મંજૂરી આપી દીધી હતી.


અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાના અધિકારીઓએ મંત્રાલયને જણાવ્યું કે ઝાયડસ કેડિલા પ્રતિ મહિને ઝાયકોવ-ડીની એક કરોડ ડોઝ આપવાની સ્થિતિમાં છે. બાદમાં સરકારે એક કરોડ વેક્સીન ડોઝનો ઓર્ડર આપ્યો હતો.


ઝાયકોવ-ડીને 20 ઓગસ્ટના રોજ ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી ગઇ હતી. આ રસી દેશની પ્રથમ એવી રસી છે જે 12 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના લોકોને રસી આપી શકાશે. શરૂઆતમાં વયસ્કોને લગાવવાની પ્રાથમિકતા આપવામાં આવશે.


અમદાવાદમાં દંપત્તિની હત્યા કરનારા ઝડપાયા


અમદાવાદમાં દિવાળીની પૂર્વ સંધ્યાએ ઘાટલોડિયાની પારસમણિ સોસાયટીના એક મકાનમાં  વૃદ્ધ દંપતિની હત્યાનો બનાવ બન્યો હતો. આ હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડના બે શંકાસ્પદ પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી લીધી છે. હાલમાં બન્નેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હત્યા બાદ ક્રાઈમ બ્રાન્ચની 4 ટીમ કામે લાગી હતી. સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક જણાયો હતો, જેની ઓળખ કરી પૂછપરછ કરતાં ઘાટલોડિયા વિસ્તારમાં જ રહેતો હોવાનું જણાવ્યું હતું અને અન્ય એક વ્યક્તિ સાથે મળીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.