Jamnagar: જામનગરમાં મકાન તૂટી પડવાની ઘટનામાં 3 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ જામનગરની આ દુર્ઘટના અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે, જામનગરમાં રહેણાંક મકાન તૂટી પડવાની ઘટનાથી અત્યંત દુ:ખની લાગણી અનુભવું છું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50000 ની સહાય કરશે.


 






જામનગરમાં ત્રણ માળનો બ્લોક ધરાશાયી


જામનગરમાં આવેલી સાધના કોલોની વિસ્તારમાં ત્રણ માળનો બ્લોક ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી છે. મળતી માહિતી પ્રમાણે અંદાજે 10થી 12 લોકો દબાયા હોવાની શક્યતા છે. હાલમાં 3 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.  8 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. મંત્રી રાઘવજી પટેલે પણ આ દુર્ઘટના અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી છે.


 



દુર્ઘટનાની જાણ થતા ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને મેયર હાલમાં ઘટના સ્થળે પહોંચ્યા છે. આ ઉપરાંત સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ધરાશાયી થયેલો બ્લોક 30 વર્ષ જૂનો હોવાની માહિતી સામે આવી છે. સાધના કોલોની જામનગર ખાતે ધરાશાયી થયેલ ત્રણ માળની બિલ્ડીંગમાં સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.અત્યાર સુધીમાં કુલ 8 લોકોને બહાર કાઢી સારવાર માટે શહેરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તેમજ હિટાચી, જે.સી.બી. સહિતના સાધનોથી ફાયર, પોલીસ, મા.મ.વિભાગ, 108, પી.જી.વી.સી.એલ, આરોગ્ય સહિતના વિભાગો બચાવ કામગીરીમાં જોડાયા છે.