અમદાવાદ: સમગ્ર રાજ્યમાં હાલ ડેંગ્યૂનો હાહાકાર છે. આજે ડેંગ્યૂના કારણે વધુ બે લોકોના મોત થયા છે. જામનગરમાં 6 વર્ષની બાળકીનું ડેંગ્યૂના કારણે મોત થયું છે. સુરત હોસ્પિટલમાં પણ એક 35 વર્ષના મહિલાનું ડેંગ્યૂના કારણે મોત થયું છે. જામનગરમાં અત્યાર સુધી ડેંગ્યૂથી 16 લોકોના થયા મોત થયા છે. હજુ પણ 200થી વધુ ડેંગ્યૂના દર્દીઓ સારવાર હેઠળ છે.




જામનગરમાં ડેંગ્યુના હાહાકારના પગલે મંત્રી અને અધિરકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. હોસ્પિટલ સ્ટાફ, કોલેજના ડીન, આર. સી. ફળદુ, સાંસદ પૂનમ માડમ સહિતના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. ડેંગ્યૂને નિયંત્રણમાં લાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.


સુરત શહેરમાં પણ ડેંગ્યૂનો કહેર યથાવત છે. શહેરના ડેપ્યુટી મેયર નીરવ શાહ ડેંગ્યૂની ઝપેટમાં આવ્યા છે. સુરતની સિવિલ હૉસ્પિટલમાં 18 દિવસમાં 793 દર્દી દાખલ થયા છે. વરસાદ બાદ મેલેરિયા, ડેંગ્યૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.