જામનગરમાં ફટાકડાના લાયસન્સ મુદે નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઈ છે. જામનગરના મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ અને નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય લાંચ લેતા પકડાઈ જતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે. આ અધિકારી આ પહેલા પણ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. મળતી માહિતી મુજબ જામનગર શહેર મામલતદાર કચેરીના એક અધિકારીને લાંચ લેતા ગોકુલનગર નજીકથી ACBએ ઝડપી પાડ્યા છે. કર્મચારી ફટાકડાના લાઈસન્સ આપવાના અભિપ્રાય આપવા માટે રૂ.૫૦૦૦/- થી રૂ.૧૦૦૦૦/- લાંચ પેટે માંગણી કરે છે. લાંચના રૂપિયા ન મળે ત્યાં સુધી ફટાકડા વેચનાર વેપારીને લાઈસન્સ મેળવવા અભિપ્રાય આપવામાં આવતો નથી.
અધિકારીને ઝડપવા માટે ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ડીકોયરની મદદ લેવામાં આવી હતી. આ કામના આરોપીએ સહકાર આપનાર ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ડિકોયર પાસે લાઈસન્સના અભિપ્રાય આપવાના અવેજ પેટે ગેરકાયદેસર લાંચની રકમ રૂ.૧૦૦૦૦/- ની માંગ કરી હતી અને તેમને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય આ અગાઉ દરબારગઢ ઝોનલમાં ફરજ બજાવતા હતા. તે સમયે પણ તેઓ એસીબીના છટકામાં આવી ચુક્યા હતા, અને ફરીથી તેઓને નોકરીમાં લેવામાં આવ્યા હતા. ત્યારે તેઓ હાલ શહેર મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા હતા, અને આજે લાંચ લેતાં ઝડપાઈ જતાં જામનગરના મહેસુલી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
રાજ્યમાં 15 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી
રાજ્યમાં શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને RTIમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ટેટ ઉમેદવારે RTI કરી શાળામાં કેટલી શિક્ષકોની ઘટ છે તેની માહિતી માંગી હતી. જેમાં ખુલાસો થયો છે કે, પ્રાથમિક શાળાઓમાં 15 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ધોરણ 6 થી 8માં કુલ 8 હજાર 273 વિદ્યાસહાયકની જગ્યા ખાલી છે.
આ ખાલી જગ્યાઓમાં ગણિત, વિજ્ઞાનમાં 3 હજાર 324, સામાજીક વિજ્ઞાનમાં 3 હજાર 87 અને ભાષામાં 1 હજાર 862ની જગ્યા ખાલી છે. આ ઉપરાંત 1 થી 5ની લાયકાત વાળા 2,188 શિક્ષકો હાલ ધોરણ 6 થી 8માં કામ કરે છે. જો એમને 6 થી 8ના મહેકમમાં ગણવામાં ન આવે તો ધોરણ 6 થી 8માં 10 હજાર કરતા વધુ ખાલી જગ્યા થાય. હાલ ધો. 1 થી 5માં શિક્ષકોની 5 હજાર 867 જગ્યાઓ ખાલી છે. આમ રાજ્યની પ્રાથમિક શાળામાં ટોટલ 15 હજારથી વધુ જગ્યા ખાલી હોવાના RTIમાં આંકડા સામે આવ્યા છે.