જામનગર: જામનગરના સિક્કામાં GSFCના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે આજે ફરી માથાકૂટ થઈ છે. સિક્કા ગામમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. GSFC કંપની દ્વારા બનાવાઈ રહેલી દીવાલના મામલે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ પોલીસે સ્થાનિક લોકોની અટકાયત કરી છે. ગઈકાલે GSFC કંપનીના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ આજે ફરી પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું છે.


સિક્કા ગામમાં GSFC કંપની દ્વારા દીવાલ બનાવામાં આવી રહી છે જેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. આજે ફરી કામ શરૂ કરી દેવાતા સ્થાનિકો ફરી કામ બંધ કરાવવા પહોંચ્યા હતા. આ સમયે કંપની સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રામજનો અને પોલીસ સામસામા ઉતરી આવ્યા હતા.

ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગ્રામલોકો દ્વારા આ કામને બંધ કરવા માટે માંગ થઈ રહી છે.