જામનગર:  થોડા દિવસ પહેલા આણંદના કલેક્ટરની ઓફીસમાં સ્પાય કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.  આ ઉપરાંક વેરાવળના પોશ વિસ્તારમાં પણ એક વ્યક્તિએ પાડોશી મહિલાના બાથરુમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો હતો. હવે આવી જ ઘટના જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલી પંજાબ  નેશનલ બેંકમાં સામે આવી છે. અહીં ઇન્ચાર્જ મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ બેન્કના જ લેડીસ વોશરુમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો હતો, જેની જાણ બેંકમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીને થઇ જતા તેણીએ પંચકોશી-બી ડિવિઝન પોલીસમાં ઇન્ચાર્જ મેનેજરે વિરુદ્ધ કેમેરો ગોઠવ્યો હોવા સબબની ફરિયાદ નોંધાવી હતી. 


 



પોતા પર ગુન્હો નોંધાયો છે તેવી જાણ થઇ જતા જેના આરોપ હતો તે ઇન્ચાર્જ મેનેજર રજા પર ઉતરીને ભાગી છૂટ્યો હતા. જેથી પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે અને યુક્તિથી ઇન્ચાર્જ મેનેજરને બેંકમાં રજા કેન્સલ કરાવી ઝડપી પાડ્યો છે.


 



જામનગર નજીક દરેડ વિસ્તારમાં પંજાબ નેશનલ બેંકની એક શાખા આવેલ છે, ત્યાં થોડા દીવસ પૂર્વે મૂળ હરિયાણા રાજ્યના વતની અખિલેશ સૈનીને ઇન્ચાર્જ મેનેજર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી  જેણે પોતાની ફરજ દરમિયાન બેંકના મહિલા કર્મચારીઓ માટેના વોશરૂમમાં છૂપો કેમેરો ગોઠવ્યો હતો. આ  દરમિયાન બેંકના જ એક મહિલા કર્મચારીને આ અંગેની જાણ થઇ જતા મામલો પોલીસ સુધી પહોચ્યો હતો. જે બાદ પોલીસે બેંકના મહિલા કર્મચારીની ફરિયાદના આધારે ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની સામે ગુન્હો નોંધ્યો હતો અને જેના પર આ અંગેનો આરોપ છે તે અખિલેશ સૈનીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી શરુ કરી છે.


વેરાવળ શહેરના પોસ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બાથરૂમમાં સ્પાઈ કેમેરા ગોઠવવા મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.




ગીરના વેરાવળ શહેરના 80 ફૂટ રોડ પર રહેતી એક મહિલાએ ગઈકાલ સાંજે વેરાવલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેમના મકાનની બાજુમાં નવું મકાન બનાવી રહેલા ગોપાલ વણીક નામના યુવાને મહિલાના બાથરૂમની જાળીમાં સ્પાઈ કેમેરો રાખ્યો હતો. જે બાદ વિકૃત માનસિકતા ધરાવતા આ શખ્સ સામે મહિલાએ ફરિયાદ દાખલ કરી હતી   ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો




વેરાવળ પોલીસે સમગ્ર મામલે ગોપાલ વણીક નામના આ યુવાનની ધરપકડ કરી લીધી છે અને આ વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનો મોબાઈલ કબજે કર્યો છે અને તેની આકરી પૂછપરછ હાથ ધરી છે. એવું પણ જાણવા મળ્યું હતું કે આ શખ્સ બાથરૂમની જાળીમાં ગોઠવેલો કેમેરો મહિલાએ જોઈ લીધા બાદ ભાંડો ફૂટ્યો અને તે કેમેરો ત્યાંથી લઈને આરોપી નાસી છૂટ્યો હતો. જો કે આ આખરે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ મામલે પુછપરછ કરીને એ જાણવા પ્રયાસ કરી રહી છે કે કેટલા સમય પહેલા આ કેમેરો લગાવ્યો હતો. સ્પાઇ કેમેરા લગાવવા પાછળ શું શું હેતુ હતો. આ ઉપરાંત ભૂતકાળમાં આ યુવકે અન્ય કોઈ જગ્યાએ આવું કૃત્ય કર્યું છે કે નહી તેની તપાસ ચાલી રહી છે.