Jamnagar News : જામનગરમાં સિક્કા નજીક હોટેલ એલીનટોમાં લાગી ભીષણ આગ (Jamnagar Fire)લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર ટેન્ડરો સ્થળ પર કામ કરી રહ્યા છે. ન્યુઝ એજેન્સી ANI સાથેની વાતચીતમાં જામનગર કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું કે હોટેલમાં 27 લોકો હતા, આ તમામને બચાવી લેવામા આવ્યા છે. 2-3 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આગ ઉપર કાબુ મેળવેલ જેમાં કોઈ જાનહાની નોંધાયેલ નથી અકસ્માતના કારણે જે લોકોને ઈજા થયેલ છે તેમને જીજી હોસ્પિટલ ખાતે સારવાર આપવાનું ચાલુ છે.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
જો કે આગ (Jamnagar Fire)કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર આગનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. જો કે, સત્તાવાર રીતે અથવા હોટલ મેનેજમેન્ટ તરફથી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. પોલીસ-પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે.
જૂન મહિનામાં વડોદરામાં નંદેસરી GIDCમાં લાગી હતી આગ
અગાઉ જૂન મહિનામાં ગુજરાતના વડોદરામાં નંદેસરી GIDC ખાતે આવેલી દીપક નાઈટ્રેટ કંપનીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. ઘટના બાદ લગભગ સાતસો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ફેબ્રુઆરીમાં અંકલેશ્વર GIDCમાં લાગી હતી આગ
આ વર્ષે ફેબ્રુઆરીમાં, ગુજરાતના અંકલેશ્વર GIDCમાં એક ફાર્મા કંપનીમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ કંપનીના કર્મચારીઓએ એલાર્મ વગાડ્યું હતું. આ ઘટના બાદ કંપનીમાં હાજર તમામ કર્મચારીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા અને ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જ્વલનશીલ પદાર્થોના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને પરિસ્થિતિ ગંભીર બની હતી.