Jamnagar: આગામી 1લી મે, 2023ના દિવસે ગુજરાતનો સ્થાપના દિવસ છે, અને આ પ્રસંગે આ વખતે રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવશે. માહિતી પ્રમાણે, આ વખતે રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી જામનગરમાં કરવામાં આવશે. 1 મેના રોજ જામનગર ખાતે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ પણ હાજર રહેશે. 


જામનગર ખાતે આ ઉજવણીને લઇને ટાઉનહોલથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી પરેડ યોજાશે, પેલેસ ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર પ્રદર્શન અને લોકાર્પણનું ખાત મૂહર્ત સહિતના કાર્યક્રમો યોજાશે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. તંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કલેકટર બી.એ.શાહ આજે સાંજે ૬ કલાકે પત્રકાર પરીષદમાં કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતીઓ આપશે.


 


Jamnagar: રોડ પર પાર્ક કરેલા વાહનોમાંથી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ


જામનગર:  જામનગરમાં રસ્તા પર પાર્ક વાહનોમાંથી જીરૂ ચોરનારી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ છે.    જામનગરના જોડિયાના એક પેટ્રોલપંપ પાસે ટ્રકમાંથી 258 મણ જીરુ જેની કીમત 17 લાખ થાય તેની ચોરી થઈ હતી. વેપારી યાર્ડમાંથી જીરૂ ભરી લાવ્યો હતો. ત્યારે રાત્રિના સમયે આ બનાવ બન્યો હતો. જે બાદ જામનગર એલસીબી આ ગેંગને ઝડપી પાડવા કામે લાગી હતી. 


જામનગર પોલીસે દડીયા ગામ પાસે વોચમાં રહી ગોધરાની તાલપત્રી ગેંગને આઈશર ગાડી તથા ચાર ઇસમો ખાલીદ ઉર્ફે ડાંગરી ઉર્ફે ભુરીયો યાકુબ શેખ, ઇરફાન અબ્દુલહમીદ શેખ, ફૈસલ યાકુબ શેખ, સુફીયા યાકુબ શેખને પકડી પાડી તેમની પાસેથી 225 મણ જીરૂ, આઈશર ગાડી, 3 મોબાઈલ વગેરે મળી 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ચોરીમાં સંડોવાયેલા રમેશ જાળીયા આદિવાસી અને સુલેમાન અબ્દુલ ગની કઠડીને પોલીસે ફરાર જાહેર કર્યા છે.


આરોપીઓ તાલપત્રી  ગેંગના સભ્યો છે. તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ રાજ્યમાં હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ તથા હોટલ પર રાત્રિના ટ્રક, માલ ભરેલા વાહન રાખેલા હોય તેના પર ચડી તાલપત્રી કાપી માલ ચોરી કરીને લઈ જતાં. આરોપીઓ વિરુદ્ધ ગોધરા, સાયલા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, એમ.પી. વગેરેમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે.