જામનગરઃ ગ્રામીણ વિસ્તારો કે ધોરીમાર્ગો પર શ્વાન કે અન્ય પશુ આડે ઉતરતા અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટના બની છે. આવી ઘટનામાં ક્યારેક મોત પણ થતાં હોય છે. આવી જ એક ઘટના જામનગરના પડાણા ગામ નજીક બની હતી. જેમાં શ્વાન આડું ઉતરતાં કારે પલટી મારી હતી અને બે સગાભાઈઓના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.


બંને મૃતકો પડાણાના સરપંચના ભત્રીજા


મળતી વિગત પ્રમાણે, જામનગર-ખંભાળિયા હાઇવે પર પડાણા પાટિયા પાસે આજે બપોરે કાર આડે કૂતરું ઉતરતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંને મૃતકો પડાણાના સરપંચના ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક રાજદીપસિંહ ભરતસિંહ ઝાલાના ઘરે આઠ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હોવાનું જાણવા મળ્યું છે.


કારમાં કેટલા લોકો હતા સવાર


પડાણા પાટિયા નજીક આવેલ હોટેલ આશાપુરા સામે આજે બપોરે પસાર થઈ રહેલા એક કાર આડે કૂતરું એકાએક આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કાર બે ત્રણ વખત પલટી મારી ગઈ હતી. જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓ પૈકી રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા અને પૃથ્વીસિંહ ભરતસિંહ ઝાલા નામના બે સગા ભાઈઓના મોત નિપજ્યા હતા. આ બનાવના પગલે ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર લોકોના એકત્ર થઈ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બનાવની જાણ થતાં મેઘપર પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.


એકભાઈના ઘરે આઠ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હતો


અકસ્માતમાં મૃત્યુ પામેલ રાજદીપસિંહ ઝાલાના ઘરે આઠ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પૃથ્વીરાજસિંહ અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. પરિવારમાં રાજદીપસિંહ અને પૃથ્વીરાજસિંહ સહિત કુલ ત્રણ ભાઈઓ હતા. જેમાં બે ભાઈઓના આજે અકસ્માતમાં મોત નિપજતા ઝાલા પરિવારમાં આક્રંદ છવાયો હતો.