Jamnagar Lok Sabha Seat: રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો મામલો હજુ પણ શાંત પડ્યો નથી. જેને લઈ જામનગર ભાજપ શહેર કિસાન મોરચા ઉપપ્રમુખ સુરપાલસિંહ વાળાએ રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું, પોતે ક્ષત્રિય હોય અને ક્ષત્રિય આંદોલનને લઈને આજે મહા સંમેલન મંચ પરથી રાજીનામું આપું છું.


ભાજપ વિરુદ્ધ મતદાન કરજો

તૃપ્તિ બા રાઓલે કહ્યું, બાપુએ પાઘડી પહેરાવી છે તેનું મોદી ઋણ ઊતારે, જ્યારે કોઈ માં બહેનનું  ન અપમાન કરે. મત દેવા જાવ ત્યારે સ્વાભિમાન જોઈને મત આપજો, ભાજપ વિરુદ્ધ મતદાન કરજો.


ખેડામાં રૂપાલા પ્રત્યેનો રોષ હજુ પણ ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લાના ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચારમાં નિકળેલી ગાડીના કાફલાને ક્ષત્રિય યુવાનો દ્વારા રોકવામાં આવ્યો હતો. મહુધા તાલુકાના સનાલી ગામમાં દેવુસિંહ ચૌહાણના પ્રચાર માટે નીકળેલી ગાડીઓને રોકવામાં આવી હતી. ગાડીઓ ઉપર લગાવેલા ભાજપના પોસ્ટરને યુવાનો દ્વારા ફાડી નાખવામાં આવ્યા હતા. ગામમાં દેવુસિંહ ચૌહાણના સમર્થકોની ગાડી પહોંચતા રોષ વ્યક્ત કરાયો હતો, ઘટનાને પગલે દેવુસિંહે ગામમાં આવવાનું ટાળ્યું હતું.


ગુજરાતમાં ક્યારે મતદાન


ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે. સુરત સીટ બિનહરીફ થઈ હોવાથી રાજ્યની બાકી રહેલી 25 સીટ માટે મતદાન થશે.


ભાજપનો વિરોધ નથી માત્ર રૂપાલાનો વિરોધ છેઃ ક્ષત્રિયો


ઉલ્લેખનીય છે કે ક્ષત્રિયોની સંકલન સમિતિના સૂત્રોએ જણાવ્યા મુજબ રૂપાલા-ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે ચાલતા આંદોલનમાં જરા પણ ફરક પડયો નથી અને યથાવત્ વધુ જોશથી ચાલુ રખાયું છે. જેઓ સમાધાનની, ભાજપને સમર્થનની વાતો કરે છે તેઓ ભાજપ સાથે જોડાયેલા છે, ક્ષત્રિય સમાજ તે વાત સાથે સહમત નથી. ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું કે અમે પહેલા જ કહ્યું હતું કે ભાજપનો વિરોધ નથી માત્ર રૂપાલાનો વિરોધ છે, તેમની ટિકીટ કાપો પરંતુ, ભાજપે ટિકીટ રદ નહીં કરતા ભાજપ સામે આંદોલન સ્વયંભુ શરૂ થયું છે. સ્થિતિ એવી છે કે સમાજના એકલ-દોકલ નેતા આંદોલનને ઢીલુ પાડી શકે તેમ નથી, ક્ષત્રિય જ્યારે ઘરે જાય ત્યારે ક્ષત્રાણીઓ પણ પુછે છે કે રૂપાલાના મુદ્દે શુ કર્યું. આંદોલન હવે ઘરે ઘરે પહોંચી ગયું છે.