Jamnagar shoe attack: જામનગરના ટાઉનહોલ ખાતે આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાએ રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા આપના કાર્યકરોએ હુમલાખોરની ધોલાઈ કરી નાખી હતી. આ સમગ્ર મામલે હવે એક નવો વળાંક આવ્યો છે. જૂતું ફેંકનાર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજાએ હોસ્પિટલના બિછાનેથી 'ABP અસ્મિતા' સાથેની ખાસ વાતચીતમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કબૂલાત કરી છે કે ભૂતકાળમાં તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જે જૂતું ફેંકવામાં આવ્યું હતું, તેનો બદલો લેવા માટે જ તેણે ગોપાલ ઇટાલિયા પર હુમલો કર્યો છે.

Continues below advertisement

ઘટનાની વિગત: સભામાં અચાનક સર્જાયો હાઈવોલ્ટેજ ડ્રામા

જામનગરના ટાઉનહોલ ખાતે ગઈકાલે સાંજે આમ આદમી પાર્ટી દ્વારા 'ગુજરાત જોડો' અને સદસ્યતા અભિયાન અંતર્ગત એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 12 ના કોર્પોરેટરો અસ્લમ ખીલજી, જેનબ ખફી અને ફેમીદા જુણેજા સહિતના આગેવાનો આપમાં જોડાયા હતા. જ્યારે ગોપાલ ઇટાલિયા મંચ પરથી ભાષણ આપી રહ્યા હતા, ત્યારે અચાનક પ્રેક્ષકોમાં બેઠેલા છત્રપાલસિંહ જાડેજા નામના વ્યક્તિએ તેમના પર જૂતું ફેંક્યું હતું. આ ઘટના બનતાની સાથે જ સભામાં સોપો પડી ગયો હતો અને બાદમાં આપના કાર્યકરોએ હુમલાખોરને ઘેરીને માર માર્યો હતો. પોલીસે માંડ માંડ તેને ટોળામાંથી છોડાવીને હોસ્પિટલ ખસેડ્યો હતો.

Continues below advertisement

હુમલાખોરનો ખુલાસો: "મનમાં ખટકતું હતું એટલે બદલો લીધો"

હાલમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા છત્રપાલસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ સ્ફોટક નિવેદન આપ્યું છે. તેણે જણાવ્યું હતું કે, "ભૂતકાળમાં વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા દ્વારા તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. આ ઘટના મને લાંબા સમયથી ખટકી રહી હતી અને મારા મનમાં તેનો રોષ હતો. આ જ કારણસર મેં તક મળતા તેનો બદલો લીધો છે અને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું છે."

"કોઈના ઈશારે નહીં, સ્વયંભૂ પગલું ભર્યું"

આ ઘટના બાદ એવી ચર્ચાઓ ચાલી હતી કે પોલીસ અથવા કોઈ રાજકીય પક્ષના ઈશારે આ હુમલો કરવામાં આવ્યો છે. જોકે, છત્રપાલસિંહે આ તમામ આરોપોને ફગાવી દીધા છે. તેણે સ્પષ્ટતા કરી હતી કે, "મેં કોઈના કહેવાથી કે દબાણમાં આવીને આ કૃત્ય કર્યું નથી. આ મારો વ્યક્તિગત નિર્ણય અને આક્રોશ હતો." તેણે વધુમાં ઉમેર્યું કે, ઘટના બાદ ટોળાએ તેને ઢોર માર માર્યો હતો અને જો પોલીસ સમયસર ન પહોંચી હોત અને તેને ત્યાંથી બહાર ન કાઢ્યો હોત, તો કદાચ ટોળાના મારથી તેનું ત્યાં જ મોત નીપજ્યું હોત.

પોલીસ ફરિયાદ અંગે અસમંજસ

આરોપી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેને શરીરે ઈજાઓ પહોંચી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે માર મારનારા લોકો સામે પોલીસ ફરિયાદ કરશે કે કેમ? ત્યારે તેણે જણાવ્યું હતું કે હાલ તે સારવાર લઈ રહ્યો છે અને પોલીસ ફરિયાદ કરવા અંગે હજુ સુધી તેણે કોઈ વિચાર કર્યો નથી. બીજી તરફ, આ ઘટનાએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા અને રાજકીય સભાઓમાં નેતાઓની સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.