Jamnagar: જામનગર શહેરના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. વિનોદ ખીમસૂર્યા જામનગર શહેરના નવા મેયર બન્યા હતા. તે સિવાય ક્રિષ્નાબેન સોઢાને જામનગર શહેરના નવા ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે.






આ સિવાય જામનગરમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિલેશભાઈના નામની જાહેરાત કરવામાં આવી હતી. તે સિવાય આશિષભાઇ જોશી જામનગર મનપામાં શાસક પક્ષના નેતા બન્યા હતા. તો જામનગર મનપામાં દંડક તરીકે કેતનભાઇની વરણી કરવામાં આવી હતી.




રાજકોટ શહેરના નવા મેયરના નામની જાહેરાત


રાજકોટ શહેરના નવા મેયરના નામની જાહેરાત થઈ ગઈ છે. નયનાબેન પેઢડીયા રાજકોટ શહેરના નવા મેયર બન્યા છે તો નરેન્દ્રસિંહ જાડેજા રાજકોટ શહેરના નવા ડેપ્યુટી મેયર બન્યા છે. આ સિવાય મનપાના અન્ય પદાધિકારીઓની વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરના નામની જાહેરાત કરવામાં આવી હતી સાથે જ લીલુ જાદવ રાજકોટ મનપામાં શાસક પક્ષના નેતા બન્યા છે.


ભાવનગરના નવા મેયરના નામની જાહેરાત


ભરતભાઈ બારડ ભાવનગર શહેરના નવા મેયર બન્યા હતા. તે સિવાય મોનાબેન પારેખને ભાવનગર શહેરના નવા ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા હતા. ભાવનગર મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુભાઈની વરણી કરવામાં આવી હતી. તે સિવાય કિશોરભાઈ ભાવનગર મનપામાં શાસક પક્ષના નેતા બન્યા હતા.


અગાઉ ગઇકાલે વડોદરા અને અમદાવાદ શહેરના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી હતી. વડોદરા શહેરના નવા મેયર પિંકીબેન સોની બન્યા હતા. વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શિતલ મિસ્ત્રી બન્યા હતા. જ્યારે શહેરના નવા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ બન્યા હતા. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા વડોદરા મહાનગરપાલિકામાં  નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.  વડોદરામાં મનોજ પટેલ શાસક પક્ષના નેતા બન્યા હતા.


પ્રતિભા જૈન અમદાવાદ શહેરના નવા મેયર બન્યા હતા. અમદાવાદ શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી બન્યા હતા. તે સિવાય અમદાવાદ શહેરના નવા ડેપ્યુટી મેયર જતીન પટેલ બન્યા હતા. ગૌરાંગ પ્રજાપતિ અમદાવાદમાં શાસક પક્ષના નેતા બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતની ટર્મ પૂર્ણ થઈ છે. તેમની જગ્યાએ નો રિપીટ થિયરી અંતર્ગત હવે આ ત્રણ નવા નામની જાહેરાત કરવામાં આવી હતી.