Kshatriya Asmita Mahasamelan: જામનગર શહેરમાં આજરોજ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિય  સમાજ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. જામનગરના ખીજડીયા બાયપાસ ખાતે યોજાયેલ આ સંમેલનમાં ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનો કરણસિંહ ચાવડા, પીટી જાડેજા, રમજુભા જાડેજા, હરપાલસિંહ ચુડાસમા તેમજ તૃપ્તિબા રાઓલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


 



ગઈકાલે વડાપ્રધાનના જામનગર પ્રવાસ બાદ આજરોજ ક્ષત્રિય સમાજનો મહા સંમેલન યોજાયું હતું. જય ભવાની ભાજપ જવાનીના નારાથી ક્ષત્રિયોએ આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરી અને કોંગ્રેસમાં મત આપવાનું આહવાન કર્યું હતું. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના જામ સાહેબની મુલાકાતે ગયા તે સંદર્ભે ક્ષત્રિય સમાજે જામ સાહેબને રામરામ કરી દીધા છે. દિવાળી તેમજ નવું વર્ષ વાર તહેવારે જામસાહેબને રામ રામ ન કરવાની પ્રતિજ્ઞા ક્ષત્રિય સમાજ લીધી છે. સંમેલન સંબોધન કરનાર આગેવાનોએ વારંવાર જામનગરમાં આવેલ રીલાયન્સ કંપની અને તેના અગ્રણીનો ઉલ્લેખ કર્યો હતો.


સરપંચોને ખોટું બોલીને વિશ્વાસમાં લીધા વિના જાહેરાત કરવામાં આવી


જામનગરમાં યોજાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા કોઈ ખાનગી કંપનીના કર્મચારીઓએ આવીને ખુરશીઓ ભરાવી હોવાનો આક્ષેપ ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યા છે. બે દિવસ પૂર્વે ધ્રોલ ખાતે મળેલ ક્ષત્રિય સમાજની મિટિંગમાં ભાજપના ઉમેદવારનો વિરોધ ન કરવાની જાહેરાત કરનાર લોકો ભાજપુતો હોવાનું કહ્યું તેમજ ત્યાંના સરપંચોને ખોટું બોલીને વિશ્વાસમાં લીધા વિના આ પ્રકારની જાહેરાત કરાઈ હોવાનું સંમેલનમાં ભાષણમાં આગેવાનોએ ઉલ્લેખ કર્યો.


તૃપ્તિબા રાઓલે શું કહ્યું


મોદી સાહેબને કહેવા માંગુ કે, જામસાહેબ બાપુએ પાઘડી પહેરાવી છે ને અત્યાર સુધી અમારી બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ હતો, અમારા પર દાગ લાગ્યો એ તમે મિટાવી નથી શક્યા. પણ હવે અમારા બાપુએ તમને પાઘડી પહેરાવી છે તો એકવાર ભવિષ્યમાં કોઈ નેતા બહેનો દીકરી અંગે ટીપ્પણી કરે તો ત્યારે જે માથે પાઘડી પહેરી છે ને તેનુ એકવાર ઋણ ઉતારજો.


 રૂપાલા વિવાદમાં જામનગર ભાજપમાં ભંગાણ


આ ઉપરાંત પરષોત્તમ રુપાલાના વિવાદ મામલે જામનગર કિસાન મોરચાના ઉપપ્રમુખે ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે. કિસાન મોરચાના ઉપપ્રમુખ સુરપાલસિંહે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. ક્ષત્રિય સમાજના મંચ પરથી સુરપાલસિંહે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial