JAMNAGAR : રાજ્યમાં પશુઓમાં લમ્પી વાયરસે ભરડો લીધો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હજારો પશુઓ આ જીવલેણ રોગથી સંક્રમિત થઇ ગયા છે, તો અત્યાર સુધીમાં 2000 કરતા વધારે પશુઓ આ રોગના કારણે મૃત્યુ પામ્યા છે. દરમિયાન રાજ્ય સરકારે આ રોગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પશુઓમાં રસીકરણ શરૂ કર્યું. પણ જામનગરથી આ રસીકરણમાં કૌભાંડના મોટા સમાચાર સામે આવ્યા છે. 


પશુઓને વેક્સીનના બદલે મીઠા વાળું પાણી અપાઈ રહ્યાંના દાવા 
કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે દાવો કર્યો  કે પશુઓને લમ્પી વાયરસની વેક્સીનના બદલે મીઠા વાળું પાણી આપવામાં આવે છે. વિક્રમ માડમે આ દાવો બે  સરકારી વેટરનીટી ડોક્ટર વચ્ચેની એક ટેલિફોનિક વાતચીતના આધારે કર્યો છે. આ ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ વિક્રમ માડમે મીડિયા સમક્ષ જાહેર કર્યું છે, સાંભળો બે ડોક્ટર વચ્ચેની આ વાતચીત - 




“લોકોને ક્યાં કાંઈ ખબર પાડવાની છે” - ડો.એમ.એમ.ગોધાણી
જામનગર મહાનગરપાલિકાના પશુતબીબ ડો.એમ.એમ.ગોધાણી અને ડો. સોલંકી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાઇરલ થયૉ છે. આ ઓડિયોમાં ડો.એમ.એમ.ગોધાણી કહી રહ્યાં છે કે માણસોને લાગવું જોઈ કે રસીકરણ કરીએ છીએ. નોર્મલ પાણીથી રસીકરણ કરો. વેક્સિનને બદલે સામાન્ય બાટલાનું પાણી આપી દેવા ડોકટર ગોધાણી કહી રહ્યાં છે.  એક તરફ પશુઓમાં લમ્પી વાઇરસ નો હાહાકાર છે તો બીજી તરફ જામનગર મનપાના તબીબ ગોધાણી સાદા પાણીના ઇન્જેક્શન આપવા કહે છે.


વિક્રમ માડમે ડોક્ટરની ધરપકડ કરવાની માંગ કરી 
આ અંગે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે આ ડોક્ટરની ધરપકડ કરવાની માંગ ઉઠાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે ગાયો ને રસી આપ્યા વિના જ શિંગડા પર  લાલ કલર કરવામાં આવે છે. લમ્પી વાઇરસના કારણે જામનગર શહેરમાં 2000 ગાયોના મોત થયા છે. રસી ન હોવાનું ખુદ તબીબ કબૂલે છે. અત્યાર સુધી ઘેટાઓને આપવાની રસી આપવામાં આવતી હતી. બે દિવસથી ગાયને આપવાની રસી આપવામાં આવે છે. સરકાર નિર્દોષ પશુઓના જીવ લઇ રહી છે.  સરકારે ઓરીજનલ વેક્સિનની વ્યવસ્થા કરવી જોઈએ.