modi gujarat visit today: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગર ખાતે રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જામ સાહેબે પાયલોટ બંગલો ખાતે બેઠક કરી હતી. જામ જાહેબને મળ્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું. જામ સાહેબના પરિવારની સદભાવના સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે, ખાસ કરીને યુરોપમાં. જામનગરમાં મને જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજીને મળવાનો અવસર મળ્યો, જેઓ એક વડીલ તરીકે હંમેશા મારા પ્રત્યે ખૂબ જ સ્નેહ ધરાવતા હતા. જૂની યાદો તાજી કરવામાં અમે ઘણો સારો સમય પસાર કર્યો. ત્યાર બાદ પીએમ મોદી સર્કિટ હાઉસ ખાતે રવાના થયા હતા.


 






જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન 


WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદી જામનગર એરપોર્ટ સ્ટેશન ખાતે આવી પહોંચતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી તેમજ અન્ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતા ત્યારે એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના પ્રથમ પારંપરિક ચિકિત્સાના મેડિસિન સેન્ટરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા સમગ્ર જામનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


એરફોર્સ સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગતમાં મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.


જામનગર ખાતે નિર્માણ પામશે વિશ્વનુ પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન


રાજકોટમાં એઇમ્સ બાદ જામનગરમાં વધુ એક આરોગ્યની ભેટ મળશે. જામનગરના ગોરધનપર ખાતે નિર્માણ પામશે વિશ્વનુ પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, W.H.O.ના ડાયરેકટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આજે જામનગરમાં GCTM નો શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે. ગ્લોબલ સેન્ટર થકી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે, પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે. પરંપરાગત દવા, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે. અને ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે. જામનગરમાં પીએમ મોદીના કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.