આગામી રવિવારે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે એ પહેલા પોસ્ટલ બેલેટનું મતદાન થયું હતું. જેમાં જામનગરમાં હોમ ગાર્ડ જવાનોના પોસ્ટલ બેલેટ મતદાનમાં નિયમોનો ભંગ થયાના કૉંગ્રેસના આરોપો બાદ મતદાન રદ્દ કરવામાં આવ્યું છે.

લાલ બંગલામાં આવેલા મતદાન મથક પર હોમગાર્ડના સભ્યોને નિયત નિયમોનો ભંગ કરીને એક તરફી મતદાન કરાવવામાં આવી રહ્યું હોવાથી જાણકારી મળતા કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, ઉમેદવારો મતદાન મથક પર પહોંચ્યા અને હોબાળો મચાવી વિરોધ કર્યો હતો.

હોમગાર્ડની કચેરીમાં જ પોસ્ટલ બેલેટનું વિતરણ કર્યા પછી હોમગાર્ડના અધિકારીઓએ નિયત સ્થળે પોલિંગ બુથ પર મતદાન કરાવવાનુ હતુ. તેના બદલે ત્યાને ત્યા મતદાન પ્રક્રિયા પૂર્ણ કરતા કૉંગ્રેસે ચૂંટણી પંચને રજૂઆત કરી હતી.

આખરે કૉંગ્રેસના ભારે વિરોધ બાદ પ્રશાસને મતદાન રદ્દ કર્યું હતું અને નવા બેલેટ પેપર ઈસ્યૂ કરી ફરીથી મતદાન કરાવવાનો આદેશ કર્યો અને 400થી વધુ હોમગાર્ડના મતદાન કરેલા બેલેટ જપ્ત કર્યા હતા.