જામનગર: બિટકોઇન કેસમાં ચર્ચામાં આવેલી નિશા ગોંડલિયા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. નિશા ગોંડલિયા આજે પોતાની કારમાં ખંભાળિયા તરફ જઇ રહી હતી ત્યારે આરાધના ધામ નજીક અન્ય વાહનમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. નિશાને હાલ ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. તેમજ ખંભાળિયા પોલીસ તપાસ હાથ ધરી છે.
નિશા ગોંડલીયા બે મહિના પહેલાં વાલ્કવેશ્વરી નગરીમાંથી જતાં હતાં ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ ફાયરીંગ કરવાનો પ્રયાસ કરવાની ફરીયાદ પોલીસમાં નોંધાવી હતી. તે ઉપરાંત નિશાએ પોતાના બનેવીના મોબાઈલમાંથી કરોડો રૂપિયાના બિટકોઈન જયેશ પટેલે પડાવી લીધાની પણ રાજકોટ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
થોડા દિવસ પહેલા જ નિશાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાના પર ખતરો હોવાનું જણાવ્યું હતું. નિશાએ સીઆઈડી ક્રાઈમને પણ પત્ર પાઠવી પોતાની હત્યા જયેશ પટેલ કરાવી નાખશે તેવી આશંકા વ્યક્ત કરી હતી.