નવી દિલ્હી : સમગ્ર દુનિયા હાલ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. ભારતમાં કોરોનાના કેસો 5 લાખને પાર થઈ ગયા છે. ત્યારે ભારત માટે કોરોના સામેની લડાઇમાં જુલાઇ મહિનો ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે, ભારતમાં આ મહિનાથી કોરોનાની રસીનું પરીક્ષણ થવાનું છે, જેના પર સૌની નજર મંડાયેલી છે.


ભારતના પ્રથમ સ્વદેશી કોવિડ-19 રસીને ડીસીજીઆઈ તરફથી હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે. ‘કોવેક્સિન’નામની રસીનો વિકાસ ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) સાથે મળીને વિકસાત કરી રહી છે. દેશમાં આ મહિનાથી રસીનું પ્રથમ અને બીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, રસીના વિકાસમાં આઈસીએમઆર અને એનઆઈવીનો સહયોગ મહત્ત્વપૂર્ણ રહ્યો.

જણાવીએ કે, અત્યાર સુધી કોરોના સામે લડવા માટે કોઈપણ પ્રકારની રસીની શોધ નથી થઈ શકી. જ્યારે કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી પાંચ લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 548318 લોકોમાં કોરોના કેસની પુષ્ટિ થઈ છે. જેમાંથી અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે સાજા થઈને ઘરે ગયા છે જ્યારે બે લાખથી વધારે લોકો સારવાર લઈ રહ્યા છે. કોરોનાથી અત્યાર સુધી દેશમાં 16 હજારથી વધારે લોકોના મોત થયા છે.