નવી દિલ્લીઃ કોરોના વાયરસના કારણે ફેલાયેલા રોગચાળાને કારણે દેશમાં લાગુ કરાયેલા લૉકડાઉનનો ચોથો તબક્કો પૂરો થવાની તૈયારી છે. 31મી મેના રોજ ચોથા તબક્કાનું લોકડાઉ પૂરું થવાનું છે ત્યારે દેશવાસીઓમાં લૉકડાઉન હજુ ચાલુ રહેશે કે ઉઠાવી લેવાશે તે જાણવાની ભારે ઉત્સુક્તા છે.

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી કેટલાક રાજ્યો લૉકડાઉન લંબાવવાની તરફેણ કરી રહ્યાં છે ત્યારે એવા અહેવાલ વહેતા થયા છે કે, કેન્દ્ર સરકાર લૉકડાઉનના પાંચમા તબક્કાની તૈયારી કરી રહી છે. આ અહેવાલમાં દાવો કરાયો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી મેના રોજ તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં લૉકડાઉનના પાંચમા તબક્કાની જાહેરાત કરી શકે છે. ગૃહ મંત્રાલયે પાંચમા તબક્કાના લોકડાઉનની તૈયારી કરી લીધી હોવાનો દાવો પણ કરાયો હતો. ગૃહ મંત્રાલય કઈ કઈ છૂટ આપશે તે અંગેના અહેવાલ પણ પ્રકાશિત થયા હતા.



જો કે અમિત શાહના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ આ અહેવાલોને અટકળો ગણાવ્યા છે. ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, આ વાતો માત્ર અટકળો છે અને આ વાતો સંપૂર્ણપણે આધારહીન છે. પ્રવક્તાએ ટ્વીટ કરીને કહ્યું કે, લોકડાઉન લંબાવવાની વાતોને ગૃહ મંત્રાલય સાથે જોડવી યોગ્ય નથી કેમ કે લૉકડાઉનની રૂપરેખા દેશનું ગૃહ મંત્રાલય નહીં પણ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નક્કી કરે છે.

કોરોના વાઈયરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે દેશમાં પહેલી વખત 25 માર્ચથી લૉકડાઉનની જાહેરાત કરાઈ હતી. ત્યાર પછી દેશવ્યાપી લૉકડાઉનની મર્યાદામાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે. 25 માર્ચે જાહેર કરાયેલ લૉકડાઉન 21 દિવસનું હતું અને 12 એપ્રિલ સુધી ચાલ્યું હતું. ત્યાર પછી 3 મે સુધી બીજું, 18 મે સુધી ત્રીજું અને 31 મે સુધી ચોથા લોકડાઉનની જાહેરાત થઈ હતી.