ગાંધીનગર : ગાંધીનગર તાલુકાનાં સુઘડ પાસે કેનાલમાં 10 દિવસમાં આપઘાતનાં 6 બનાવો સામે આવ્યા છે. અમદાવાદનાં મણીનગર વિસ્તારમાં રહેતા એક પરિણીત યુવાન તથા કોલેજિયન યુવતીએ સોમવારે બપોરે સ્વીફ્ટ કારમાં બેસી સુઘડ પાસે કેનાલે પહોચી જઇને હાથે દુપટ્ટો બાધીને કેનાલમાં ઝંપલાવ્યુ હતુ. પોલીસે કેનાલનાં કાંઠે બિનવારસી હાલતમાં કાર જોતા શંકાનાં આધારે શોધખોળ શરૂ કરાવી હતી.
મંગળવારે સાંજના સમયે યુવાન તથા યુવતીનો હાથે દુપટ્ટો બાંધેલા મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસે આ બનાવમાં હાલ અકસ્માતે મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આઉટ પોસ્ટનાં જમાદાર અમરતભાઇ બી રાઠોડ પોતાનાં સ્ટાફ સાથે સોમવારે પેટ્રોલીંગમાં હતા ત્યારે સુઘડ પાસે કેનાલનાં કાંઠેથી સ્વીફ્ટ કાર બિનવારસી હાલતમાં જોવા મળી હતી. કેનાલનાં કાઠેથી કાર મળતા કેનાલમાં કોઇ કુદ્યુ હોવાની શંકા જતા બહીયલનાં તરવૈયાઓને બોલાવીને કારની તલાશી લીધી હતી. જેમાં કારમાંથી પરેશ નાગજીભાઇ દેસાઇના નામનું ચુંટણીકાર્ડ તથા જીનલ વિજયગીરી ગોસ્વામી નામની યુવતીની એફવાયબીકોમની પરીક્ષાની રીસીપ્ટ તથા અન્ય ઓળખનાં પુરાવા મળ્યા હતા. જેનાં આધારે પોલીસે બંનેનાં પરીવારજનોને જાણ કરીને શોધખોળ કરાવી હતી.
જયારે મંગળવારે સાંજે 5 વાગ્યાનાં અરસામાં પરેશ નાગજીભાઇ દેસાઇ તથા જીનલ ગોસ્વામીનાં હાથે દુપટ્ટો બાંધેલા મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસે બંનેનાં પરીવાજનોનાં નિવેદનો લઇને હાલ અકસ્માતે મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યુ હતુ કે બંનેનાં પરીવાજનોની પુછપરછ કરતા જાણવા મળ્યુ છે કે પરેશ દેસાઇ નામનાં યુવાનની ઉંમર 25 વર્ષની છે અને મણીનગર વિસ્તારમાં આવેલા રૂષીકેશ એપાર્ટમેન્ટનો રહેવાસી છે. પરેશ પરીણીત છે તથા ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જયારે જીનલ કોમર્સમાં અભ્યાસ કરે છે. સોમવારે બપોરે પેપર પૂર્ણ થયા બાદ સીધા જ કાર લઇને કેનાલે આવી ગયા હોવાનો અંદાજ છે. જો કે આપઘાત કયાં કારણે કર્યો તે જાણી શકાયુ નથી. પરંતુ નરેશ પરીણીત હોવાથી કદાચ લગ્ન કરવાનું શકય ન લાગતા આ પગલુ ભર્યુ હોવાનો પ્રાથમિક અંદાજ છે. આગળની તપાસમાં સાચી ખબર પડી શકે છે.