વડોદરા: હાલમાં સમગ્ર દેશમાં આઇપીએલનો ફિવર જોવા મળી રહ્યો છે. ત્યારે ગરમીના દિવસોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરવામાં આવે છે આવી જ એક નાઇટ ટૂર્નામેંટ રવિવારે વડોદાર લાલબાગ ખાતે સંપન થઇ હતી. જેમાં ફાઇનલમાં મેન ઓફ ધ સીરીઝને ઇનામમાં ગાય અને વાછરડાની ભેટ આપવામાં આવી હતી.
વડોદરા શહેરના લાલબાગ એસ.આર.પી ક્રિકેટ ગ્રાઉન્ડમાં વડોદરાના માલધારી સમાજ દ્વારા ક્રિકેટનું આયોજન કરાયું હતું. અન્ય જિલ્લાઓ સહિત શહેર માંથી મોટી સંખ્યામાંથી ટીમોએ આ ટુર્નામેંટમાં ભાગ લીધો હતો. રવિવારની રાત્રે આ ટુર્નામેંટની ફાયનલ મૅચ યોજાઈ હતી. આ ફાયનલ મૅચમાં વિજેતા ટીમને ટ્રૉફી અને રોકડ રકમ આપવામાં આવી હતી. ખૂબ આકર્ષક બાબત આ ટર્નામેંટની એ હતી કે સમગ્ર ટુર્નામેંટમાં સુંદર પ્રદર્શન કરનાર ખેલાડીને મૅન ઑફ ધી સીરીઝના ઇનામમાં ગાય અને વાછરડાની ભેટ આપવામાં આવી હતી.
માલધારી સમાજમાં આજે પણ ગૌવંશનું મહત્વ એટલું જ રહ્યું છે. રમતના માધ્યમથી સમાજમાં ગાય પ્રત્યે વધુ સન્માન વધે તેવા આશય સાથે આયોજકોએ ઇનામમાં ગાય આપવાનું નક્કી કર્યું હતું. વડોદરાના લાલબાગ ખાતે માલધારી સમાજ દ્વારા યોજાયેલ વડવાળા પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં કુલ 40 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. માલધારી સમાજ પોતે ગાયને વધુ મહત્વ આપતા હોય છે અને હાલમાં દેશમાં જે પ્રકારે ગાયોની કત્લેઆમ થાય છે તેનાથી આ સમાજ દુઃખી છે. વિવિધ સમાજ અને સરકાર સુધી ગાયને સંરક્ષિત રાખવા અને તેની હત્યા બંધ કરાવવા ઉપરાંત ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે આ પ્રકારનું આયોજન થયું હતું. સંખ્યાબંધ કત્લખાનાઓમાં દેશમાં હરરોજ ગાયોની કત્લેઆમ થાય છે, તેમ છતાં તંત્ર આ બાબતે આંખ આડા કાન કરે છે.
એક રીતે માલધારી સમાજમાં તંત્રની આ પદ્ધતિને કારણે છુપો રોષ પણ જોવા મળે છે. આ સમાજના યુવકોએ ઇનામમાં ગાય આપીને સંદેશ પાઠવ્યો છે કે ગાયની પૂજા અને દેખભાળ રાખવી જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં ગાયને ખુબ જ આદર ભાવથી જોવામાં આવે છે. તેની હત્યા બંધ થાય અને તે થોભી જાય માટે માલધારી યુવકો એ ઇનામના રૂપે મેન ઓફ ધી સીરીઝ જીતેલ યુવકને ગાય અને વાછરડું ઇનામમાં આપવામાં આવ્યું હતું.