Ahmedabad: ગુજરાતીઓમાં વિદેશ જવાનો મોહ છૂટતો નથી. હાલમાં જ અમદાવાદનું દંપતિ ઇરાનમાં કિડનેપ થયું હતું. જેને હેમખેમ છોડાવીને વતન લાવવામાં આવ્યા છે. આ ઘટના તાજી છે ત્યાં જ
દિલ્હી એરપોર્ટ પર નકલી પતિ પત્ની બનીને કેનેડા જતું દંપત્તિ ઝડપાયું છે. મહેસાણા જિલ્લાના એક ગામનો યુવક અને 21 વર્ષની અમદાવાદ ગોતાની યુવતી પાસપોર્ટમાં ચેડા કરાવીને કેનેડા જઈ રહ્યા હતા. ચેન્નઈથી વાયા દિલ્હી થઇ ટોરેન્ટો જતી ફ્લાઇટનું તેમણે ચેક-ઇન કર્યુ હતું પણ એરલાઈનના સ્ટાફને શંકા જતા તપાસ હાથ ધરાતા આખરે ભાંડો ફૂટ્યો હતો. યુવક યુવતી કેનેડા પહોંચ્યા બાદ સરહદ પાર કરીને અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા.
અમદાવાદના નરોડાના પટેલ દંપત્તિનું અમેરિકા જવાની લ્હાયમાં ઈરાનમાં થયું હતું અપહરણ
અમેરિકા જવાના ચક્કરમાં ઈરાન પહોંચેલા દંપતિને તહેરાનમાં બંધક બનાવવાના કેસમાં ક્રાઈમબ્રાંચે આરોપી એજન્ટ અભય રાવલની ગુનામાં સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ એજન્ટ અભયે દંપતીને છોડાવવા માટે આરોપીઓને સાત લાખ રૂપિયા મોકલ્યા હતા. આ રકમ મળ્યા બાદ આરોપીઓએ દંપતીને છોડી દીધું હતું. બીજી તરફ ભોગ બનનાર પંકજ પટેલના ભાઈએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એજન્ટ અભય રાવલ સહિત બે જણા વિરૂદ્ધ ફરિયાદ કરી છે. ક્રાઈમબ્રાંચના અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસમાં અભય રાવલની અપહરણમાં ભૂમિકા અંગે તપાસ કરી રહ્યા છીએ. સંડોવણી અંગેના પૂરાવા મળશે તો તેની ધરપકડ કરવામાં આવશે.
કૃષ્ણનગરના પંકજ પટેલ અને તેની નિશાને ગેરકાયદેસર રીતે અમેરિકા લઈ જવાના રૂ.1.15 કરોડ નક્કી કરનાર એજન્ટ અભય રાવલ અને પિન્ટુ ગોસ્વામી સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દંપતીને હૈદરાબાદ ફલાઈટમાં મોકલ્યા બાદ ગત તા.11મીના રોજ વિઝા કરાવીને ઈરાન મોકલવામાં આવ્યું હતું. ઈરાન પહોંચ્યા બાદ પંકજ અને નિશાનું અપહરણ કરીને એજન્ટોએ બંનેને તહેરાનમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. બંને પર એજન્ટોએ અત્યાચાર શરૂ કરી વિડિયો પરિવારજનોને મોકલી રૂ.15 લાખની માંગણી કરી હતી. આ ગાળામાં પરિવારજનોએ એજન્ટ અભયનો સંપર્ક કરતા તેણે પ્રથમ તો રૂપિયા મોકલવાની ના પાડી હતી. જો કે, દંપતીને આરોપીઓએ છ દિવસ સુધી ગોંધી રાખતા આખરે એજન્ટએ સાત લાખ રૂપિયા ઈરાન મોકલ્યા હતા. આ રકમ પહોંચ્યા બાદ દંપતીને એજન્ટોએ છોડી દીધાનું એજન્ટ અભય રાવલે પોલીસને જણાવ્યું હતું. આમ, અભય રાવલની અપહરણમાં સંડોવણી ન હોવાનું પોલીસને આરોપીએ નિવેદન લખાવ્યું છે. ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અભયને નિવેદન લઈને જવા દેવાયો છે. હાલમાં અમે આ સમગ્ર કેસમાં અભય રાવલ અને પિન્ટુ ગોસ્વામીની સંડોવણી અંગે તપાસ કરી રહ્યા છે. તેઓની ભૂમિકા તપાસમાં બહાર આવશે તો બંનેની ધરપકડ કરીશું.