Mehsana News: મહેસાણા બાયપાસ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. પાટણના ચાણસ્મા તાલુકા ધરમોડા ગામનો યુવક બાઈક લઇ ગાંધીનગર ખાતે પોતાના ભાઈને મળવા જતો હતો ત્યારે મહેસાણા બાયપાસ હાઈવે ઉપર હિન્ડુંવા ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે ટક્કર મારી હતી. ટ્રકની ટક્કરે બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.


વ્યાજખોરોના ત્રાસથી આધેડે કરી આત્મહત્યા


 ગુજરાતમાં વ્યાજખોરોને ડામવા અને લોકોમાં જાગૃતિ લાવવા રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં લોક દરબાર યોજી લોકોને વ્યાજખોરોની ચુગલમાંથી છોડવાવા ભગીરથ પ્રયાસ હાથ ધર્યો હતો અને અનેક વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરાઈ હતી. પરંતુ તેમ છતાં હજુ પણ વ્યાજખોરો બેફામ હોય તેવી જ એક ઘટના રાધનપુરથી સામે આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી એક આધેડે જીવન ટૂંકાવ્યું છે અને સુસાઇડ નોટમાં આઠ વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું છે તેવું ઉલ્લેખ કરાયું છે. સમગ્ર ઘટનાને લઈ રાધનપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


રાધનપુરના અરજણસર ગામે રહેતા વિભાભાઈ રાવળે દીકરી બીમાર થતા તેની સારવાર કરાવવા ગામના જ કેટલાક ઈસમો પાસેથી ઉછીના પૈસા લીધા હતા અને ત્યાર બાદ જે પૈસા લીધા હતા તે આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી પરત ન કરી શકતા ઉછીના પૈસા આપનાર લોકો દ્વારા વિભાભાઈને ધાક ધમકી આપી વ્યાજ સાથે પૈસા આપવામાં માટે કડકાઈથી ઉઘરાણી કરતા હતા. વારંવાર પરેશાન કરતા હોવાથી વ્યાજખોરોના ત્રાસથી વિભાભાઈ નામના આધેડે આત્માહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.


મૃતક વિભાભાઈ જોડેથી સુસાઇડ નોટ મળી હતી. જેમાં વ્યાજખોરોને મૂડી સાથે દસ ગણું વ્યાજ ભર્યું છે તેમ છતાં વારંવાર પૈસાની ઉઘરાણી કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે.  તેમજ અરજણસર ગામના આઠ વ્યાજ ખોરોના નામનો ઉલ્લેખ છે સાથે રાધનપુર પોલીસ પર પણ આક્ષેપ છે કે એક મહિના અગાઉ વ્યાજખોરો વિરોધ રજુઆત કરી હતી તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.  આ વ્યાજખોરો મને વારંવાર હેરાન કરે છે જેથી હું આત્માહત્યા કરું છું મારાં મર્યા પછી મારાં પરિવારને હેરાન કરવા નહી અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવી તેવું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયું હતું.


વ્યાજખોરોના ત્રાસથી આધેડના મૃત્યુ થતાં પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું છે અને ઘરના મોભીના મૃત્યુ થતાં કોઈ કમાનારુ પણ ન હોઈ પરિવારની કમર ભાંગી ગઈ છે. મૃતકના પરિવારજનોએ નિવેદન આપતાં જણાવ્યું કે, મારાં પપ્પાએ ખુબ આગળ પગલું ભરી લીધું છે. અમે ગભરાઈ ગયા છીએ, અમારું કોઈ સાંભળતા નથી. સૌ વ્યાજવાળાનું સાંભળે છે. વ્યાજખોરો અમને વારંવાર મારી નાખવાની ધમકીઓ આપતા હતા. ઘર બહાર પણ નીકળવા  દેતા ન હતા એટલે જ મારાં પપ્પાએ આ પગલું ભર્યું છે. 



પરિવારજનો પોલીસ પર પણ આક્ષેપ કરી રહ્યા છે કે એક મહિના અગાઉ રજુઆત કરી હતી પરંતુ તેમ છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ના કરી. વ્યાજખોરોના ત્રાસથી અમે ગામ પણ છોડ્યું હતું પરંતુ અમને થોડી શાંતિ લાગી તો પાછા ગામમાં રહેવા આવ્યા પરંતુ ફરી વ્યાજખોરો ઘરે આવીને ધમકીઓ આપી પૈસાની ઉઘરાણી કરતા હતા. એટલે છેલ્લી ઘડીએ મારાં પિતાએ આ પગલું ભર્યું છે અને હવે પોલીસે અમારી ફરિયાદ લીધી છે. અમારી એક જ માંગ છે કે તમામ વ્યાજખોરોને પકડી કડક કાર્યવાહી કરવામાં આવે.


વ્યાજખોરોના ત્રાસથી આધેડે જીવન ટૂંકાવ્યા બાદ રાધનપુર પોલીસ હરકતમાં આવી અને મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે આઠ વ્યાજખોરોના નામજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. રાધનપુર પીઆઇ પીકે પટેલે નિવેદન આપતાં જણાવ્યું કે મૃતક જોડેથી અમને સુસાઇડ નોટ મળી છે તે તપાસનો વિષય છે. કારણ કે મૃતક ભણેલ ન હતો અને એને લખતા પણ  આવડતું ન હતું તો આ હસ્તાક્ષર કોના છે તે પણ તપાસ કરીશું. સાથે વ્યાજખોરો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તેમજ અગાઉ પણ આ રીતે કોઈને વ્યાજવા પૈસા આપ્યા છે કે નહી તે તમામ દિશામાં તપાસ કરી અને આરોપીઓને પકડી કડક કાર્યવાહી કરીશું.