અંબાજીઃ અંબાજીમાં ગબ્બર પર્વત પાછળના વિસ્તારમાં સપ્તાહ અગાઉ હોટલ માલિક બિઝનેસમેનની કરપીણ હત્યા થઇ હતી. બનાસકાંઠા પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલીને ચાર હત્યારાને ઝડપી લીધા છે. પોલીસે હત્યાનો ભેદ ઉકેલી એક હત્યારાને ઝડપી લીધો હતો. તેમની પૂછપરછમાં પોલીસે બાકીના હત્યારાનાં નામ શોધી કાઢ્યાં છે.


આ ઘટનામાં હોટલ માલિક એક યુવતી સાથે સનસેટ પોઇન્ટ પર ગયા હતા. બંનેને એકાંતમાં બેઠેલાં જોઈ ચાર હવસખોરે યુવતી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. બિઝનેસમેન યુવતીને બચાવવા જતાં હુમલાખોરોએ ચપ્પાના આઠ ઘા ઝીંકી હોટલ માલિકની હત્યા કરી હતી. પોલીસે આ કેસમાં પ્રવિણભાઇ કાંતિભાઇ ગમાર (રહે. બેડા ખેરફળી તા. દાંતા)ને ઝડપી લીધો છે જ્યારે સુરતાભાઇ મુંગીયાભાઇ પરમાર (રહે. છાપરી તા. દાંતા) તેમજ બીજા બે અજાણ્યા શખ્સો ફરાર છે.


એ. એસ. પી. સુશિલ અગ્રવાલે જણાવ્યું કે, દાંતા તાલુકાના હડાદ ગામના વતની વિનય રાવલ અંબાજીમાં હોટલના વ્યવસાયમાં જોડાયેલો હતો. થોડાક સમયથી માઉન્ટ આબુ ખાતે હોટલ શરૂ કરી હતી. અઠવાડિયા  અગાઉ સોમવારની સાંજે વિનય રાવલ એક યુવતી સાથે અંબાજી ગબ્બર પાછળના વિસ્તારમાં સનસેટ પોઇન્ટ પર ગયો હતો.


બંને એકાંતમાં બેઠાં હતાં ત્યારે તેલિયા નદીના પુલ પાસેના માર્ગ નજીકના જંગલમાં આવેલા ચાર શખ્સોએ બંને ને એકલા જોઇ યુવતી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. વિનય રાવલ હવસખોરોનો પ્રતિકાર કરીને યુવતીને બચાવવા ગયો હતો. હુમલાખોરોએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી વિનયની હત્યા કરી નાંખી હતી અને ફરાર થઇ ગયા હતા.


આ ઘટનાની જાણ થતાં બનાસકાંઠા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલ, એલસીબી પીઆઇ એચ. પી. પરમાર, એસઓજી પીઆઇ ડી. આર. ગઢવી, પેરોલ ફર્લો પીએસઆઇ કે. કે. પાટડીયા, અંબાજી પીઆઇ જે. બી. આચાર્યે ડોગ સ્કવોર્ડ, એફ. એસ. એલ સહિતની ટીમે હુમલાખોરોની શોધ શરૂ કરી હતી. તેમણે સ્થાનિક આદિવાસી લોકોની મદદથી ડુંગરાઓમાં આવેલા ગામડાંમાં ઘરે ઘરે ફરીને હત્યારાને ઝડપી લીધો હતો.