બાયડઃ અરવલ્લી જિલ્લામાં બાયડના પૂજાપુરમાં ગત ગુરુવારે રાત્રે 15 વર્ષીય સગીરની હત્યા થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે ત્રણ જ દિવસમાં સગીરની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. કિશોરની હત્યા કરનાર તેનો કૌટુંબિક ભાઇ હોવાનું બહાર આવ્યું છે. હત્યારાએ માતા સાથે મૃતકના આડાસંબંધનો વહેમ રાખી કુહાડીના ઘા મારી સગીરને મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસની તપાસમાં બહાર આવતાં ચકચાર મચી ગઈ છે.
બાયડ પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ગુરુવારે રાત્રે બાયડના પૂજાપુરનો 15 વર્ષીય સગીર ઘરે જમવા બેઠો હતો. દરમિયાન તેને ફોન આવતાં બહાર ગયો હતો. ઘરેથી નીકળ્યા પછી મોડે સુધી પરત ન ફરતાં સમગ્ર પરિવારે ભારે શોધખોળ હાથ ધરી હતી. જેમાં મોડી રીતે ઘરની પાછળથી લોહીલુહાણ હાલતમાં સગીરની લાશ મળી આવતાં પરિવાર ભાંગી પડ્યો હતો.
બાયડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે પૂછપરછનો દોર શરૂ કર્યો હતો. પોલીસને મૃતકના કૌટુંબિક કિશોર પર શંકા જતાં વધુ કડકાઈથી પૂછતાં સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. મૃતકને તેના કૌટુંબિક ભાઇની માતા સાથે આડાસંબંધ હોવાનો વહેમ હોવાને લઇ તેની કુહાડીથી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ધો.11 માં ભણતા સગીરના કૌટુંબીકભાઈની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
અમરેલીઃ ધારીના ચલાલા ગામે હરિધામ સોસાયટીમાં ગઈ કાલે બપોરે માતાએ બે દીકરીઓ સાથે કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી. આ બનાવને લઇને નાનકડા ચલાલા ગામ અને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ.
ધારી નજીક ચલાલા ગામે હરિધામ સોસાયટીમાં રહેતા દેવમુરારી પરિવારના સોનલબેન ભરતભાઇ દેવમુરારી ઉંમર-40 વર્ષ તેમજ દીકરી હિતાલી ભરતભાઇ દેવમુરારી ઉંમર-14 વર્ષ અને 3 માસની દીકરી ખુશી ભરતભાઇ દેવમુરારીનું મોત નીપજ્યું છે. ચલાલા મુકામે રહીને ભરતભાઈ વેવસાઈ દળવાની ઘંટી ચલાવતા હતા બંને દીકરીઓની માતા સોનલબેન જાતે અને બન્ને દીકરીઓ ઉપર કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાની જાણ આસપાસ લોકોને થતા તેઓએ તુરત જ સોનલબેનના પતિ ભરતભાઇ દેવમુરારીને જાણ કરી હતી, પરંતુ ભરતભાઇ ઘરે પહોંચે તે પહેલાં જ માતા અને બંને દીકરીઓ બળીને ભડથું થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સાવરકુંડલાના ડીવાયએસપી કે.જે.ચૌધરી તેમજ ચલાલા પોલીસ ધારીના મામલતદાર અને ચલાલા નગરપાલિકા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પતિ અને પત્નીને ઘણા સમયથી ગૃહ કંકાસ ચાલી રહ્યો હતો, જેને લઈને આજે માતાએ બંને પુત્રીઓ ઉપર કેરોસીન છાંટીને આત્મહત્યા કરી હતી. આ સમગ્ર વિગત સાવરકુંડલા ડીવાયએસપી એ જણાવી હતી.
હરિધામ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં આગ લાગી તેવી જાણ નગરપાલિકાને થતાં નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આસપાસના રહીશો દ્વારા આગને બુજવવામાં આવી હતી. બંને દીકરી અને માતાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એક જ ઘરના ત્રણ વ્યક્તિ આત્મહત્યા કરી મોતને ભેટ્યા હતા. ત્રણે મૃતકને પી.એમ.અર્થે ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા. આ ઘટનાની જાણ થતાં આ વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા.