MEHSANA : દેશમાં ક્યાંય પણ કોઈ પણ ચૂંટણી હોય, લોકસભા ચૂંટણી હોય કે વિધાનસભા ચૂંટણી હોય તો એમાં જયારે હારનો સામનો કરવો પડે ત્યારે રાજકીય પક્ષો EVMનો દોષ કાઢે છે. આ આવી પાર્ટીઓમાં કોંગ્રેસ મોખરે છે. જો કે હવે કોંગ્રેસના જ નેતાઓના નિવેદન સામે આવ્યા છે કે કોંગ્રેસ ચૂંટણી હારે એમાં EVM નહીં પણ કોંગ્રેસ અને તેના કાર્યકરો જવાબદાર છે.
ગુજરાતમાં કોંગ્રેસની ઉત્તર ગુજરાત કારોબારીની બેઠકો ચાલી રહી છે. આ દરમિયાન ગઈકાલે 22 મે રવિવારે કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ હારે એમાં EVMનો વાંક નથી. તો આજે કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ આવું જ નિવેદન આપ્યું છે.
આજે સોમવારે મહેસાણામાં મળેલી ઉત્તર ગુજરાતના કોંગ્રેસના આગેવાનોની બેઠકમાં ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે કોંગ્રેસની અંદર ઇલેક્શન મેનેજમેન્ટનો અભાવ છે અને તેના કારણે જ કોંગ્રેસ ચૂંટણી જીતી નથી શક્તી નથી અને પછી EVMનો દોષ કાઢવો નકામો છે. ગ્યાસુદ્દીન શેખે તો ત્યાં સુધીની વાત કરી કે કોંગ્રેસ બુથ મેનેજમેન્ટ અને પોલિંગ એજન્ટનોની કામગીરીમાં પણ નબળી છે.કાર્યકરો છેલ્લા બે દિવસ એટલે કે મતદાનના દિવસે કામ નથી કરતા એટલે જ કોંગ્રેસ હારે છે. મતદાનની આગલી રાત્રે સવારના 5 વગ્યા સુધી કાર્યકરો ચવાણું અને ભજીયા ખાય છે અને મતદાન શરૂ થાય ત્યારે સુઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં ચૂંટણીઓમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVMના ઉપયોગની શરૂઆત કેન્દ્રમાં કોંગ્રેસના UPA શાસન દરમિયાન જ થઇ હતી. જો કે 2014ની લોકસભા ચૂંટણી અને ત્યારબાદની વિવિધ ચૂંટણીઓમાં કોંગ્રેસની હાર થતા કોંગ્રેસ નેતાઓ EVMનો દોષ કાઢવા લાગેલા. ત્યાં સુધી કે ચૂંટણીમાં EVMનો ઉપયોગ રદ્દ કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
ચૂંટણીમાં પોતાના તરફી પરિણામ ન આવતા EVMનો દોષ કાઢનારા કોંગ્રેસ પાર્ટીના નેતાઓને તેમના જ ધારાસભ્યએ અરીસો બતાવ્યો અને હારનું સાચું કારણ સામે મૂકી દીધું છે.