MEHSANA : મહેસાણામાં પ્રેમી યુગલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા (Suicide) કરી લીધી છે. પ્રેમી યુવક અને યુવતી બંનેના મૃતદેહ ઝાડ પર લટકતા મળ્યા છે. આ ઘટના મહેસાણાના નુગર બાયપાસ પાસે બની હતી.  આજે 9 માર્ચને વહેલી સવારે ત્યાંથી પસાર થઇ રહેલા રાહદારીએ આ મૃતદેહો જોયા અને આસપાસના લોકોને જાણ કરી હતી. પ્રેમી યુવક અને યુવતીનો બંનેના મૃતદેહ હાઇવે પાસે ઝાડ સાથે લટકતા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ આસપાસના  લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. ગામના સરપંચે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.


યુવક યુવતી બંને નુગર ગામના વતની 
આત્મહત્યા કરનાર આ મૃતક યુવક અને યુવતી બંને મહેસાણા (Mehsana)ના નુગર ગામના હોવાનું જાણવા મળેલ છે. નુગર ગામમાં રહેતો ઠાકોર ચેતન અને મનીષા ઠાકોર છેલ્લા એક વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા. આ બંનેના પ્રેમ  વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હતો. અગાઉ પ્રેમસંબંધની જાણ થતા ચેતન અને મનીષા બંનેના પરિવારે તેમને સમજાવ્યાં હતા. ત્યારબાદ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે  મનીષાની સગાઇ અન્ય યુવક સાથે કરી દેવામાં આવી હતી. 


બંને એ રાત્રે જ આત્મહત્યા કરી 
આત્મહત્યા કરનાર મૃતક ચેતન ઠાકોર અને મનીષા ઠાકોરના મૃતદેહ મહેસાણાના નુગર બાયપાસ પાસે વહેલી સવારે  ઝાડ પર લટકતા મળ્યા છે. મૃતક યુવાન ચેતન ઠાકોર રાત્રે 12 વાગ્યા સુધી તેન ઘરે જ હાજર હતો. આથી એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ રાત્રે ઘરેથી નીકળીને આત્મહત્યા કરી લીધી હશે.  પ્રેમી યુગલે આત્મહત્યા કરી લેતા બંનેના પરિવાર ઉંડા શોકમાં ગરકાઉં થઇ ગયા છે. મહેસાણા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક યુવક અને યુવતીના મૃતદેહને મહેસાણા સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે  અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.