મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે આવેલ વાળીનાથ અખાડા ધામને સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી ગણવામાં આવે છે. ત્યારે આ ગુરૂગાદીના મહંત શ્રી બળદેવગીરીજી સુ૨જગીરીજી મહારાજનું નિધન થયું છે. બળદેવગિરી બાપુની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતી. બાપુના નિધનથી સમગ્ર માલધારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરતા લખ્યું, રબારી સમાજના ગુરુ બળદેવગીરીજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને ભક્તગણને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ...!!
ગૃહમંત્રી અમિત શાહે પણ ધર્મગુરૂ બળદેવગીરીજી બાપુના નિધ પર દુખ વ્યક્ત કર્યું છે. અમિત શાહે ટ્વિટ કરતા લખ્યું, તરભવાળીનાથ ધામ,વિસનગર (મહેસાણા)ના મહંત તથા રબારી સમાજના ધર્મગુરૂ પૂજ્ય બળદેવગિરિજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું.પ્રભુ તેમના પાવન આત્માને શાંતિ અર્પે તેમજ તેમના અનુયાયીઓ-ભક્તોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના. ઓમ શાંતિ.